સામંથા રૂથ પ્રભુની છેલ્લી ૨ ફિલ્મો બોક્સઑફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. તેની ફિલ્મો યશોદા અને શાકુંતલમ્ બંને મહિલાપ્રધાન ફિલ્મ્સ હતી. તેમ છતાં બંને ફ્લોપ ગઈ હતી. જાેકે, અત્યારે સામંથા વરૂણ ધવનની સાથે વેબ સિરીઝ સિટાડેલના શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં સમાચાર એવા સામે આવી રહ્યા છે કે, અભિનેત્રી સિટાડેલના શૂટિંગ પછી એક્ટિંગ કરિયરથી એક વર્ષનો બ્રેક લેવાની છે. રિપોર્ટ્સના મતે, સામંથાએ આ ર્નિણય પોતાની ઑટો ઈમ્યન બિમારી માયોસિટિસના કારણે લીધો છે. હવે તે સૌથી પહેલા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માગે છે. અભિનેત્રીએ આ બ્રેક માટે તૈયારી પણ શરૂ કરી દીધી. સાથે જ તે હવે જલ્દી જલ્દી પોતાનું શૂટિંગ પૂરું કરવામાં લાગી ગઈ છે. એટલું જ નહીં સામંથાએ ઘણા પ્રોડ્યુસર્સનું એડવાન્સ પેમેન્ટ પણ પાછું આપી દીધું છે.
સામંથા રૂથ પ્રભુ પાસે અત્યારે સિટાડેલની સાથે તેલુગુ ફિલ્મ કુશી પણ છે. અભિનેત્રીનું અત્યારે સંપૂર્ણ ધ્યાન આ બંને પ્રોજેક્ટ્સને પૂરા કરવા પર છે. કુશી ફિલ્મમાં સામંથાની સાથે વિજય દેવરકોંડા લીડ રોલમાં છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સામંથા સ્વસ્થ થવા માટે એક વર્ષના લાંબા બ્રેક પર જતી રહેશે અને માયોસિટિસની સારવાર પર ધ્યાન આપશે. થોડા દિવસ પહેલાં જ સામંથાના બોલીવુડ ડેબ્યૂને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અત્યારે હવે અભિનેત્રીએ એક પણ નવા પ્રોજેક્ટને હાથમાં નથી લીધો. એટલું જ નહીં તેણે તો ફિલ્મમેકર્સે આપેલા એડવાન્સ પૈસા પણ પરત આપી દીધા છે.
લગભગ એક વર્ષ પહેલા સામંથાને માયોસિટિસ અંગે જાણવા મળ્યું હતું. ત્યારે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર ફેન્સને આ અંગે માહિતી આપી હતી. અભિનેત્રીએ થોડા દિવસ પહેલાં પણ ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ નોટ લખી હતી. તેણે લખ્યું હતું કે, ડાયગ્નોસિસમાં લગભગ એક વર્ષ થઈ જાય છે. એક વર્ષથી મજબૂરીથી એક ન્યૂ નોર્મલને જીવી રહી છું. મારા શરીરની સાથે મારી પોતાની લડાઈ… ના મીઠું, નાખાંડ અને ના અનાજ, ખાસ કરીને દવાઓના કોકટેલની સાથે એક જબરદસ્તી શટડાઉન અને જબરદસ્તી રિસ્ટાર્ટ સામંથાએ પોતાની આ પોસ્ટમાં લખ્યું હતું કે, એક વર્ષમાં તેને એક શીખામણ મળી છે કે, સમય હંમેશા તમારા મુજબ નથી ચાલતો. ક્યારેક ક્યારેક આ મોટી સફળતા માટે નથી, પરંતુ આગળ વધવું એ આપણા પોતાનામાં એક જીત છે. સામંથાએ લખ્યું હતું કે, તમારામાંથી ઘણા બધા લોકો હશે, જે આનાથી પણ ઘણી મુશ્કેલ લડાઈઓ લડી રહ્યા હશે. હું તમારા માટે પ્રાર્થના કરું છું. ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં.