ઓડિશામાં એક સરકારી અધિકારી રંગે હાથે ઝડપાયો છે જેના ઘરેથી ૨ કરોડ રુપિયા મળી આવ્યા છે. રાજ્યના વિજિલન્સ વિભાગના અધિકારીઓએ ગઈકાલે સવારે આ અધિકારીને ૫૦૦ રુપિયાની નોટોના બંડલ સાથે પકડી પાડ્યો હતો. આ અધિકારીએ પોતાનો બચાવ કરવા માટે પાડોશીના ઘરની છત પર રુપિયા ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.
વિજિલન્સ વિભાગના અધિકારીઓએ આ મામલે જણાવ્યુ હતું કે નબરંગપુર જિલ્લાના અધિક ઉપ-કલેક્ટર તરીકે નિયુક્ત પ્રશાંત રાઉતના ઘરે વહેલી સવારે દરોડા દરમિયાન ભુવનેશ્વરમાં બે માળના મકાનમાંથી તેના પાડોશીના છત પર રુપિયા ફેંકતા રંગે હાથે ઝડપાયો હતો. આ ઉપરાંત અધિકારીએ વધુમાં કહ્યું હતું કે અમે પ્રશાંત રાઉતના ઘરેથી રૂપિયા ૫૦૦ની નોટોના છ બોક્સ જપ્ત કર્યા છે તેમજ આ ઝડપાયેલા અધિકારીએ તાજેતરમાં રૂપિયા ૨૦૦૦ની નોટોને રૂપિયા ૫૦૦માં બદલી હતી અને અત્યાર સુધીમાં તેના ઘરમાંથી રૂપિયા ૨ કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ રકમ વધુ પણ હોવાની શક્યતા છે. દિવસના અંત સુધીમાં અમને છુપાયેલી ગેરકાયદેસર આવક વિશેની માહિતી મળી જશે તેમ વિજિલન્સના અધિકારીએ જણાવ્યુ હતું.
ઓડિશા વિજિલન્સ ટીમમાં બે એડિશનલ એસપી, ૭ ડેપ્યુટી એસપી, ૮ ઈન્સ્પેક્ટર અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ નવ ટીમો ભુવનેશ્વર, નબરંગપુર અને ભદ્રકમાં એક સાથે દરોડા પાડી રહી છે. પ્રશાંત રાઉત સામે ભ્રષ્ટાચાર અને લાંચના અનેક આરોપો અને ફરિયાદો છે. તેને વિજિલન્સે વર્ષ ૨૦૧૮માં પંચાયતના કાર્યકારી અધિકારી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગવા બદલ ધરપકડ કરી હતી. તે સમયે તે સુંદરગઢ જિલ્લામાં બીડીઓ હતા.

Share.
Exit mobile version