કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ, આજે રવિવારે કહ્યું કે ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ આ ત્રણેય દેશ, લગભગ ૧,૪૦૦ કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. આ હાઈવેનું કામ પૂર્ણ થવાથી દક્ષિણપૂર્વ એશિયા સાથે જાેડાયેલા દેશોમાં વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પ્રવાસનને વેગ મળશે.
પ્રોજેક્ટની પ્રગતિ અંગેના પ્રશ્નના જવાબમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ પર લગભગ ૭૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ હાઈવે મણિપુરના મોરેહને મ્યાનમાર થઈને થાઈલેન્ડના માએ સોટ સાથે જાેડશે.

હાલમાં, મંત્રી નીતિન ગડકરીએ આ હાઇવેને ચાલુ કરવાની સમયમર્યાદા અંગે કોઈ માહિતી આપી નથી. જાે આ વ્યૂહાત્મક હાઇવે પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તેમાં વિલંબ થયો છે. સરકારનું અગાઉનું લક્ષ્ય ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં તેને કાર્યરત કરવાનું હતું. જાે કે હવે આ મહત્વપૂર્ણ હાઈવેને પૂર્ણ કરીને ઉપયોગમાં લેવા માટે આગામી ૨૦૨૭નું લક્ષ્યં નક્કી કરવામાં આવ્યું છે. ભારત અને મ્યાનમારમાં મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયુ છે. જે કામ બાકી રહ્યું છે તેમાંથી મોટાભાગનુ કામ થાઈલેન્ડમાં બાકી રહેવા પામ્યું છે.

૨૦૦૨માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ, થાઈલેન્ડ અને મ્યાનમાર સમક્ષ આ મહત્વપૂર્ણ રોડ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો રોડ ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, નાગાલેન્ડ, મણિપુર થઈને મ્યાનમારમાં પ્રવેશશે. મ્યાનમારના માંડલે, નૈપ્યીડો, બોગો, યંગૂન અને મ્યાવાડી જેવા શહેર અને વિસ્તારમાં થઈને આ મહત્વપૂર્ણ રોડ થઈલેન્ડમાં પ્રવેશશે.

Share.
Exit mobile version