આજે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં કેન્દ્ર સરકારના વટહુકમ મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કેન્દ્ર સરકારના વટહુકમ વિરુદ્ધ દિલ્હી સરકારની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ પાઠવી છે. કોર્ટે દિલ્હીમાં લવાયેલા વટહુકમ મામલે કેન્દ્ર સરકારને૨ અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ કર્યો છે. ઉપરાંત ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવાની અરજીમાં સુધારો કરવાની પણ મંજૂરી આપી છે. ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજી પર સુનાવણી કરી છે, જેમાં જસ્ટિસ પી.એસ.નરસિમ્હા પણ આ ખંડપીઠનો એક ભાગ હતા.

દિલ્હી સરકાર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું કે, તેઓ દિલ્હી સરકાર તરફથી દલીલો રજુ કરી રહ્યા છે. વટહુકમ મામલે લાંબી ચર્ચા બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટીસ જારી કરી બે સપ્તાહમાં જવાબ રજુ કરવા જણાવ્યું છે. દિલ્હી સરકારને ઉપરાજ્યપાલને પક્ષકાર તરીકે સામેલ કરવા માટેની અરજીમાં સુધારો કરવાની પણ મંજુરી અપાઈ છે. દિલ્હી સરકારે વટહુકમ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી.

દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને લાંબી લડાઈ બાદ એડમિનિસ્ટ્રેશન સર્વિસિઝનો અધિકાર મળ્યો હતો. જાેકે કેન્દ્ર સરકારે વટહુકમ લાવી દિલ્હી સરકાર પાસેથી આ અધિકાર પરત લઈ લીધો… કેન્દ્ર સરકારે ૧૯મી મેએ વટહુકમ (ગવર્નમેન્ટ ઑફ નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી (સુધારા) વટહુકમ, ૨૦૨૩) દ્વારા એક ઓથોરિટી બનાવી, જે ગ્રુપ-એ અધિકારીઓની ટ્રાન્સફર અને પોસ્ટિંગ કરશે. કેન્દ્ર સરકારના આ વલણને દિલ્હી સરકારે છેતરપિંડી કહી હતી. અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા કોર્ટમાં અરજી કરાઈ હતી, જેમાં વટહુકમને ‘કાર્યકારી આદેશનો ગેરબંધારણીય અભ્યાસ’ કહ્યો હતો. દલીલ કરાઈ હતી કે, આ બંધારણના મૂળભૂત માળખાને ‘ઓવરરાઇડ’ કરવાનો પ્રયાસ છે. દિલ્હી સરકારે વટહુકમ પર વચગાળાના સ્ટેની માંગણી કરી હતી.

Share.
Exit mobile version