જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર  ખાતે તા. ૨૧ જૂનના રોજ ૯ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી “વસુધૈવ કુટુંબકમ માટે યોગ”  થીમ પર  કરવામાં આવી હતી. જેમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના કર્મચારીઓ માટે યોગા દિવસના પ્રોટોકોલ અનુસાર માટે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ તજજ્ઞો પ્રેરણાબેન મહંત, યોગ કોચ ધરમપુર,  પુનમ ભટ્ટ, અને હેમાંગીની રાજગોર દ્વારા યોગાસનના પ્રકારો, યૌગીક ક્રિયાઓ, આસન, પ્રાણાયામ, મુદ્રા, સૂર્ય નમસ્કાર વગેરેનું નિદર્શન આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના એજ્યુકેશન ઓફિસર પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યું કે,  ભારતે વિશ્વને યોગની ભેટ આપી છે. યોગનો ઉલ્લેખ ઋગ્વેદ અને શ્રીમદ ભગવદ ગીતામાં પણ કરવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં ભગવાન શિવજીને પરમ યોગી કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીએ યોગના આઠ પ્રકારો આપ્યા છે. યુએન જનરલ એસેમ્બલીમાં ૧૧મી ડિસેમ્બર ૨૦૧૪ના રોજ, સર્વસંમતિથી દર વર્ષે ૨૧ મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા માટેનો પસાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ૨૧ જૂન ૨૦૧૫માં કરવામાં આવી હતી.

કાર્યક્રમ ની સાથે “યોગ: જીવન જીવવાની તંદુરસ્ત રીત” વિષય પર પ્રેરણાબેન મહંત, યોગ કોચ ધરમપુરનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેમણે યોગ અને વિવિધ આસનોના અભ્યાસથી આરોગ્યને થતાં ફાયદાઓ જણાવ્યા હતા. યોગ વિષય પર ક્વિઝનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યા હતા. સમગ્ર  કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના કર્મચારીઓ તેમજ એસએમએસએમ હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ મળી ને કુલ ૫૫ લોકોએ ભાગ લીધો હતો.

Share.
Exit mobile version