બાબા બર્ફાનીના દર્શન કરવા માટે જે આતુરતાથી ભક્તો રાહ જાેઈ રહ્યા હતા, એનો હવે અંત આવ્યો છે. બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ચૂક્યો છે. આજે વહેલી સવારે બાબા બર્ફાનીના દર્શન માટે આવેલા ભક્તોના પહેલાં લોટને રવાના કરવામાં આવ્યો છે. ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે બાલતાલ અને પહેલગામ જવા માટે રવાના થયા છે. હાલ ત્રણેક લાખ જેટલાં ભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શ્રદ્ધાળુઓના પહેલાં લોટને રવાના કર્યો હતો. જે બાદ જમ્મુના બેઝ કેમ્પમાં બમ બમ ભોલના નાદ ગૂંજી ઉઠ્‌યા હતા. તો આ વખતે નિયોમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે,

ત્યારે અહીં ભૂસ્ખલનમાં પણ વધારો થયો છે. જેથી યાત્રીઓને કોઈ જાનહાનિ ન પહોંચે એટલા માટે દર્શન કરવાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શનિવારથી ભક્તો બાલતાલ અને પહેલગામના રસ્તે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ગુફા તરફ આગળ વધશે. ભગવતી નગર આધાર શિબિરમાં ગુરુવારના રોજ ૧૬૦૦થી પણ વધારે ભક્તો પહોંચ્યા હતા. લખનૌથી કાશ્મીર સુધીના રસ્તા પર પણ બમ બમ ભોલે નાથના નાદ સંભળાઈ રહ્યા છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર પણ યાત્રીઓ માટે કટ ઓફ સમય જારી કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, બાબા બર્ફાનીની આ યાત્રા ૬૨ દિવસ સુધી ચાલતી હોય છે, જે પહેલી જુલાઈના રોજ શરુ થાય છે અને ૩૧મી ઓગસ્ટ સુધી સમાપ્ત થઈ જાય છે. હિન્દુ ધર્મના લોકો માટે આ યાત્રા ખૂબ જ મહત્વની હોય છે. અમરનાથની ગુફા ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. તો શ્રદ્ધાળુઓના ધસારા બાદ તંત્રએ રજિસ્ટ્રેશન પણ શરુ કરી દીધું છે.

સાથે જ આ વર્ષે ભારે વરસાદના કારણે અહીં સ્થિતિ થોડી વણસેલી છે. વારંવાર અહીં ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. જેથી યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે. કટેલાંક વિસ્તારો અહીં એવા છે કે જ્યાં ભૂસ્ખલનની શક્યતા રહેલી છે. જાે કોઈ આની ઘટના બને અને ઉપરથી પથ્થર પડે તો યાત્રીઓને કોઈ ઈજા ન પહોંચે એટલા માટે હેલમેટ પહેરીને જવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. બાબા અમરનાથના દર્શન કરવા માટે અબાલ વૃદ્ધ સૌ કોઈ લોકો પહોંચ્યા છે. યાત્રાળુઓની સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઠેર ઠેર જવાનો યાત્રાળુઓની સુરક્ષા માટે ખડેપગે છે. બીજી તરફ, આ વખતે ગુફા મંદિરની સુરક્ષામાં આઈટીબીપીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પહેલીવાર આઈટીબીપીના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ડૉગ સ્ક્વોડ, કેમેરા સહિતની આધુનિક ટેકનોલોજીથી યાત્રા પર વોચ રાખવામાં આવી રહી છે.

Share.
Exit mobile version