પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના એક નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ ધનંજય ચૌબે તરીકે થઈ છે. તેઓ પુરુલિયા જિલ્લાના આદ્રા શહેર તૃણમુલના પ્રમુખ હતા.
શુક્રવારે સવારે આ ઘટનાની પુષ્ટિ કરતા જિલ્લા પોલીસ કમિશ્નર અભિજિત બેનર્જીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે પુરુલિયાના આદ્રા પાંડે માર્કેટ નજીક પાર્ટી કાર્યાલયમાં ઘૂસ્યા બાદ હુમલાખોરોએ તૃણમૂલ નેતા અને તેના અંગરક્ષક પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ ધનંજય ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયો હતો. તેને તાત્કાલિક બાંકુરાની મેજિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. ફાયરિંગની ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.
પોલીસ કમિશનર અભિજિત બેનરજીએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે ગોળી ચલાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ જાેઈને હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા અને હેલ્મેટ પહેરીને આવ્યા હતા.
તૃણમૂલ નેતા પર છ રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી છે. આ પછી હુમલાખોરો સ્થળ પર જ મોટર સાયકલ છોડીને ભાગી ગયા હતા. આ ઘટનામાં ધનંજયનો બોડીગાર્ડ શેખર પણ ઘાયલ થયો છે, જેને રઘુનાથપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ ૦.૩૨ કેલિબરની બુલેટથી ફાયરિંગ કર્યું હતું. સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીને કેન્દ્રમાં રાખીને આઠ લોકો માર્યા ગયા છે, જેમાંથી ત્રણ લોકો તૃણમૂલ કોંગ્રેસના છે જ્યારે બાકીના પાંચ લોકો કોંગ્રેસ, સીપીઆઈ (એમ) અને આઈએસએફસાથે સંકળાયેલા છે.