પૂર્વોત્તર રાજ્ય આસામ મુશળધાર વરસાદ અને પૂરના કારણે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે. પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આસામ રાજ્યના ૧૦ જિલ્લામાં લગભગ ૩૧ હજાર લોકો જળમગ્ન વિસ્તારમાં રહેવા મજબુર બન્યા છે. પૂરના કારણે આજે પણ સ્થિતિ ગંભીર છે અને વહિવટીતંત્ર પણ રાહત અને બચાવ કાર્યમાં પૂરજાેશમાં લાગી ગયું છે.
ભારતીય હવામાન વિભાગે આસામમાં રેડ એલર્ટ જારી કર્યું છે અને આગામી ૫ દિવસ સુધી રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂરના પ્રકોપનો સામનો કરી રહેલા ૧૫ જિલ્લાઓમાં લગભગ ૮૦ હજાર લોકો અસરગ્રસ્ત થયા છે. ગુવાહાટીમાં આવેલા આઈએમડીનાં પ્રાદેશિક હવામાન કેન્દ્રએ ‘વિશેષ હવામાન બુલેટીન’માં સોમવારથી ૨૪ કલાક માટેનું રેડ એલર્ટ જારી કર્યું છે, ત્યારબાદ આગામી ૨ દિવસ સુધી ઓરેન્જ એલર્ટ અને ગુરુવાર માટે યલ્લો એલર્ટ જારી કર્યું છે. રેડ એલર્ટમાં તુરંત કાર્યવાહીની જરૂર પડે છે. જ્યારે ઓરેન્જ એલર્ટ દરમિયાન કાર્યવાહી માટે તૈયાર રહેવા અને યલ્લો એલર્ટ એટલે સ્થિતિ પર નજર રાખવા માટે હોય છે.
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂર રિપોર્ટ મુજબ ચિરાંગ, દર્રાંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રૂગઢ, કોકરાઝાર, લખીમપુર, નલબાડી, સોનિતપુર અને ઉદલગુડી જિલ્લામાં પૂરના કારણે ૩૦૭૦૦થી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. સૌથી દયનીય સ્થિતિ લખીમપુરની છે. અહીં ૨૨ હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજ્યનું વહિવટીતંત્ર હાલ ૭ જિલ્લામાં ૨૫ રાહત વિતરણ કેન્દ્ર ચલાવી રહ્યું છે, જાેકે હજુ સુધી કોઈ રાહત શિબિર શરૂ કરાઈ નથી. એએસડીએમએએ કહ્યું કે, હાલ રાજ્યમાં ૪૪૪ ગામો જળમગ્ન છે અને ૪,૭૪૧.૨૩ હેક્ટર જમીનમાં ફેલાયેલો પાક નષ્ટ થઈ ગયો છે, તો ઘણા જિલ્લાઓમાં મોટાપાયે માટીનું ધોવાણ થયું છે. દીમા હસાઓ, ભારે વરસાદના કારણે કામરૂપ મહાનગર અને કરીમગંજમાં કેટલાક સ્થળોએ ભુસ્ખલનની ઘટના સામે આવી છે