મહારાષ્ટ્રના બુલઢાણામાં ચાલુ બસમાં આગ લાગવાથી ૨૫ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. આ ભીષણ દુર્ઘટના સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસવે પર બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બસમાં આશરે ૩૨ લોકો સવાર હતા. બસમાં અચાનક આગ લાગી હોવાથી લોકોને નીકળવાની તક મળી નહોતી. આ ઘટનામાં ૨૬ લોકોના મોત થયા હોવાની ખબર છે, જ્યાં અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને તરત જ બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જાણકારી પ્રમાણે, બસ મહારાષ્ટ્રના યવતમાલથી પુણે જઈ રહી હતી. ઘટના શનિવારે વહેલી સવારે આશરે ૨.૩૦ કલાકે બની હતી.

બુલઢાણા પોલીસે ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું હતું કે, બસમાંથી ૨૬ મૃતદેહને નીકાળવામાં આવ્યા છે. બસમાં કુલ ૩૨ મુસાફરો સવાર હતા. ૬-૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને બુલઢાણા સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયા છે. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને કહ્યું હતું કે ‘બસમાં કુલ ૩૨ લોકો સવાર હતા, જેમાંથી ૨૫ લોકોના મોત થયા છે, જ્યારે બાકીના ઘાયલ થયા છે. બસના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ટાયર ફાટ્યા બાદ બસે પલટી મારી હતી અને તેનાથી આગ લાગી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે, નાગપુર જઈ રહેલી ખાનગી બસ પહેલા એક થાંભલા સાથે અથડાઈ હતી અને બાદમાં પિપળખુટા ગામ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. બસ ઊંધી વળી ગઈ હતી અને આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.

ફાયર બ્રિગેડના જવાનોએ કંડક્ટર અને ડ્રાઈવર સહિત સાત લોકોને સલામત રીતે બચાવી લીધા હતા. થોડા દિવસ પહેલા મુંબઈ-ગોવા હાઈવે પર પણ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારની એસટી અને જેએસડબલ્યૂ બસ પરસ્પર અથડાઈ હતી. જેના કારણે તેના મુસાફરો અને ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પલાસ્પે ફાટા પાસે સાઈકૃપા હોટેલ સામે આ અકસ્માત સર્જાયો હતો. ત્રણ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાકને સામાન્ય ઈજા પહોંચી હતી. આ વિશે જાણ થતાં જ પનવેલ શહેર પોલીસ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરનું નામ સંતોષ મ્હાત્રે છે. આ દુર્ઘટનામાં ૧ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. મુંબઈ-ગોવા હાઈવે પર તો અકસ્માતની ઘટના બનતી રહે છે. જેમાં કેટલાક લોકોના મોત પણ થાય છે. મુંબઈ-ગોવા રુટ પર બનેલી આ ઘટના પર ભયાનક હતી. નસીબજાેગે કોઈ જાનહાનિ થઈ નહોતી.

Share.
Exit mobile version