ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અર્ચના જાેશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. સુત્રો અનુસાર અર્ચના જાેશીને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને કર્ણાટકના યેલાહંકા ખાતે રેલ વ્હીલ ફેક્ટરીના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલા સીઆરએસએ તેનો રિપોર્ટ રેલવે બોર્ડને સુપરત કર્યો છે. રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે તેની માહિતી બહાર આવી નથી. રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ રિપોર્ટના તારણો અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સીઆરએસ ઉપરાંત સીબીઆઈ પણ ઘટનાની તપાસ કરી રહી છે. દુર્ઘટના બાદ, રેલવેએ દક્ષિણ પૂર્વીય રેલવેના ઘણા ઉચ્ચ અધિકારીઓની બદલી કરી છે, જેમના અધિકારક્ષેત્રમાં આ ઘટના બની હતી. પ્રાથમિક તપાસમાં અકસ્માતના કારણ તરીકે સિગ્નલ સિસ્ટમમાં બેદરકારી અથવા ઇરાદાપૂર્વકની દખલગીરી દર્શાવવામાં આવી છે.

અગાઉ ૨૮ જૂનના રોજ સમાચાર આવ્યા હતા કે બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં સીબીઆઈ તપાસની દેખરેખ રાખતા વરિષ્ઠ આઈપીએસ અધિકારી વિપ્લવ કુમાર ચૌધરીના કાર્યકાળને લંબાવવામાં આવ્યો હતો. ચૌધરીને સીબીઆઈમાં જાેઈન્ટ ડાયરેક્ટર તરીકે દોઢ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. કર્મચારી મંત્રાલયે એક આદેશમાં જણાવ્યું હતું કે કેબિનેટની નિમણૂક સમિતિએ ૨૮ માર્ચ ૨૦૨૩થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના એક વર્ષ અને ૬ મહિનાના સમયગાળા માટે તેમની પ્રતિનિયુક્તિનો કાર્યકાળ વધારવાની મંજૂરી આપી હતી.

Share.
Exit mobile version