મુંબઈથી અમદાવાદ રૂટ પર હાઈ સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન)નું કામ હાલમાં ઝડપથી ચાલી રહ્યું છે. તેનું કામ ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની આશા છે. દેશમાં બુલેટ ટ્રેનની શરૂઆતને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે.
હવે રેલવે મંત્રાલયે એવી માહિતી આપી છે કે મુંબઈથી અમદાવાદ ઉપરાંત દેશના ત્રણ મોટા શહેરોને પણ બુલેટ ટ્રેન કનેક્ટિવિટીથી જાેડવામાં આવશે. આવનારા સમયમાં દેશના નવી દિલ્હી, ચેન્નાઈ અને કોલકાતામાં બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી હશે.
તાજેતરમાં એક કાર્યક્રમમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ)ના ઓપરેશન ડાયરેક્ટર રાજેશ પ્રસાદે જણાવ્યું હતું કે આરવીએનએલએ નવી દિલ્હીથી કોલકાતા, નવી દિલ્હીથી મુંબઈ, મુંબઈથી ચેન્નાઈ સુધીના ટ્રેક પર હાઈ-સ્પીડ કોરિડોરની જરૂરિયાત વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું હતું કે જાે તમે હાઈ-સ્પીડ કોરિડોરનું ભવિષ્ય જાેવા માંગતા હો તો અમારી પાસે ચાર મોટા મેગા સિટી છે જેમ કે નવી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. તેથી આવનારા સમયમાં અમે ચારેય રૂટ પર હાઈ-સ્પીડ કોરિડોર બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે ચારેય રૂટ પર હાઈ-સ્પીડ કોરિડોર માટે યોજનાઓ તૈયાર થઈ ચૂકી છે. એના ફાયનાન્સિંગની પણ ચર્ચા થઇ ગઇ છે.
સરકારે હાઇ સ્પીડ ટ્રેનોના ડાયમંડ ચતુર્ભુજ નેટવર્ક માટે સંભવિતતાનો અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં દિલ્હી-મુંબઈ, મુંબઈ-ચેન્નઈ, ચેન્નાઈ-કોલકાતા અને કોલકાતા-દિલ્હીને દિલ્હી-ચેન્નઈ અને મુંબઈ-કોલકાતા સાથે જાેડતા રૂટ પર વાતચીત થઈ હતી. પ્રસાદે એમ પણ કહ્યું હતું કે મુંબઈથી અમદાવાદનો રૂટ આગામી પાંચથી દસ વર્ષમાં શરૂ થવાની ધારણા છે.
ગત દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન રેલવે પ્રધાને એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે બુલેટ ટ્રેનના ભાડા અંગે કોઈ ર્નિણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે લોકો માટે સુલભ હશે. તેમણે કહ્યું હતું કે બુલેટ ટ્રેનના ભાડા માટે ફર્સ્ટ એસીને આધાર બનાવવામાં આવશે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે બુલેટ ટ્રેનમાં મુસાફરીનું ભાડું ફર્સ્ટ એસી આસપાસ હશે.