અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને પીએમ મોદી સાથે એલેક્ઝાન્ડ્રિયામાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની આધારશિલા છે.
ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે શિક્ષણ એ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનો આધાર છે. બંને દેશોના વિદ્યાર્થીઓ એકબીજા સાથે શીખી રહ્યા છે અને વિકાસ કરી રહ્યા છે. એકબીજા સાથે કામ કરીને, આપણા રાષ્ટ્રો બધા માટે સુરક્ષિત, સ્વસ્થ, વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકે છે.
અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાયડેને કહ્યું કે પીએમ મોદીની આ સત્તાવાર મુલાકાતથી અમે વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રને સાથે લાવી રહ્યા છીએ, પરંતુ અમારો સંબંધ માત્ર સરકારો વચ્ચેનો નથી.
અમે પરિવારો અને બંને દેશો વચ્ચેની મિત્રતાની ઉજવણી કરી રહ્યા છીએ. અમેરિકા-ભારત વચ્ચેની ભાગીદારી ઊંડી અને વ્યાપક છે કારણ કે આપણે સંયુક્ત રીતે વૈશ્વિક પડકારોનો સામનો કરીએ છીએ.
તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત અને અમેરિકાએ યુવાનોમાં રોકાણ કરવાની જરૂર છે, જેઓ બંને દેશોનું ભવિષ્ય છે. તેમણે યુવાનોને તકો પૂરી પાડવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તેઓ તેના લાયક છે. તેમણે કહ્યું કે જાે આપણે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માંગતા હોય તો આપણે યુવાનોમાં રોકાણ કરવાની જરૂર છે જે આપણું ભવિષ્ય છે.