રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી બંને પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી લેવામાં આવ્યા છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ધરણા પર બેઠા છે. તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું કે, તેઓ તમામ આરોપીઓની ધરપકડ બાદ જ મૃતદેહ ઉઠાવશે. સ્થિતિને ધ્યાનમાં રાખી ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે.
બિકાનેર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ઓમપ્રકાશએ જણાવ્યું કે, વિદ્યાર્થીનો મૃતદેહ મંગળવારે ખજુવાલા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વિદ્યાર્થિનીના પરિજનોએ આ મામલામાં ખાજુવાલા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકો પર આરોપ લગાવ્યો છે. જે બાદ બંને પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. બીકાનેરના પોલીસ અધિક્ષક તેજસ્વીની ગૌતમે જણાવ્યું કે, પીડિતાના પરિવાર અને સંબંધીઓ મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે સંમત થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે, આ મામલે ખાજુવાલા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ૩૭૬-ડી સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટનાનો શિકર બનેલી વિદ્યાર્થીની કમ્પ્યૂટરનો કોર્સ કરી રહી હતી . તેમનો મૃતદેહ ખાજુવાલા સ્થિત એક ઘરમાંથી મળી આવ્યો હતો. પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ કર્મી મનોજ અને ભાગીરથ ત્રીજા આરોપી દિનેશ બિશ્નોઈ સાથે મળીને વિદ્યાર્થીનીને તે ઘરમાં લઈ ગયા. પછી ત્યાં તેની સાથે સામૂહીક દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી.
પોલીસે જણાવ્યું કે મૃતક અને મુખ્ય આરોપી એકબીજાને ઓળખતા હતા. તેમના કોલ રેકોર્ડ મળી આવ્યા છે. આ કેસમાં બંને કોન્સ્ટેબલની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. અધિક પોલીસ અધિક્ષક દીપક શર્મા કેસની તપાસ કરી રહ્યા છે. દરમિયાન આ ઘટનામાં પોલીસકર્મીઓની સંડોવણીને લઈને ભાજપે ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે.

Share.
Exit mobile version