આ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ નેતા સચિન પાયલટ, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ અને પાર્ટીના રાજ્ય પ્રભારી સુખજિંદર રંધાવા સહિત ઘણા નેતાઓએ હાજરી આપી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પાયલોટે મીટિંગ દરમિયાન કહ્યું કે, અમારા બધાનું એક જ જૂથ છે, તે છે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે જૂથ. તે જ સમયે, ટોચના નેતાઓએ ગેહલોત સરકારના વખાણ કર્યા, પરંતુ દલિત અત્યાચારના મામલામાં કડક પગલાં લેવા પણ કહ્યું છે. પ્રદેશ કોંગ્રેસના તમામ નેતાઓએ કહ્યું કે, હાઈકમાન્ડ જે પણ ર્નિણય લેશે તે સ્વીકારવામાં આવશે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ખડગેના નેતૃત્વમાં રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે દાવો કર્યો કે, રાજસ્થાનમાં કોંગ્રેસ ફરી એકવાર સરકાર બનાવશે અને લોકોના સારા ભવિષ્ય માટે કામ કરવાનું ચાલુ રાખશે.
કેસી વેણુગોપાલે જણાવ્યું કે, આ બેઠકમાં સીએમ અને પીસીસી ચીફ સહિત રાજસ્થાન કોંગ્રેસના ૨૯ નેતાઓએ ભાગ લીધો હતો. તમામ નેતાઓએ સર્વાનુમતે નક્કી કર્યું કે, કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણી જીતી શકે છે. આજે તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે. તેમની જીતની ક્ષમતાના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.