ભારતીય ક્રિકેટ ટીમના પુરૂષ ખેલાડીઓની સાથે સાથે છેલ્લા ૧૦ વર્ષમાં મહિલા ખેલાડીઓનું પણ પ્રદર્શન મેદાન પર શાનદાર રહ્યું છે.
પુરૂષ ટીમના ખેલાડીઓને બીસીસીઆઈ તરફથી વિદેશી ટી૨૦ લીગમાં રમવાની મંજૂરી નથી, પરંતુ બોર્ડે આ માટે મહિલા ખેલાડીઓને છૂટ આપી છે. હવે ૨૧ વર્ષની ભારતીય મહિલા ખેલાડી શ્રેયંકા પાટીલ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી મહિલા કેરેબિયન પ્રીમિયર લીગમાં રમનારી પ્રથમ ખેલાડી બનશે.

યુવા ઓફ સ્પિનર શ્રેયંકા પાટીલને ડબલ્યુસીપીએલમાં ગુયાના એમેઝોન વોરિયર્સની ટીમે સામેલ કરી છે. ડબલ્યુસીપીએલની આગામી આવૃત્તિ ૩૧મી ઓગસ્ટથી ૧૦મી સપ્ટેમ્બર સુધી શરૂ થશે.
આ પહેલા પણ ભારતીય મહિલા ટીમની ઘણી ખેલાડીઓ વિદેશી ટી૨૦ લીગમાં જાેવા મળી ચૂકી છે. મહિલા ટીમની વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌર સિવાય વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના, જેમિમા રોડ્રિગ્સ, શેફાલી વર્મા અને રિચા ઘોષ સહિત અન્ય ઘણી ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ તેમજ ઓસ્ટ્રેલિયાની મહિલા બિગ બેશ લીગમાં જાેવા મળી છે.

શ્રેયંકાનું શાનદાર પ્રદર્શન ગયા મહિને હોંગકોંગ દ્વારા યોજાયેલી ઇમર્જિંગ એશિયા કપ ટુર્નામેન્ટમાં જાેવા મળ્યું હતું. શ્રેયંકાએ ૨ મેચમાં ૭ ઓવર ફેંકી હતી જેમાં તેણે ૧૫ રન આપીને ૯ વિકેટ લીધી હતી. ફાઈનલ મેચમાં શ્રેયંકાએ ૪ વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
શ્રેયંકાને તેના પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. શ્રેયંકા પાટીલ મહિલા આઈપીએલની પ્રથમ આવૃત્તિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા ટીમ તરફથી રમતી જાેવા મળી હતી. આ દરમિયાન તેણે ૭ મેચમાં ૬ વિકેટ ઝડપી હતી.

Share.
Exit mobile version