મધ્યપ્રદેશના ગ્વાલિયરની એક ખાનગી સ્કૂલમાં શિક્ષકોએ કથિત રીતે માર માર્યા બાદ ધોરણ ૮ના વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૨ વર્ષના છોકરાને ચાર દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ રવિવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.. સ્કૂલ ભારતીય જનતા પાર્ટીના (બીજેપી) એક અગ્રણી સભ્ય સાથે જાેડાયેલી છે. શોકગ્રસ્ત પિતાએ જણાવ્યું હતું કે, તેમના દીકરાએ હોમવર્ક પૂરું ન કર્યું હોવાથી શિક્ષકે તેને લાકડીથી માર માર્યો હતો. આ ઘટના તીવ્ર ગરમીમાં બની હતી, કારણ કે બાળકને ૩૦ મિનિટ સુધી એક રૂમમાં બંધ રાખવામાં આવ્યો હતો. આ સાથે શિક્ષકે તેને છત પરથી ફેંકી દેવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટનાક્રમ બાળકના મોટાભાઈની આંખ સામે બન્યો હતો, જે પણ તે જ સ્કૂલમાં ભણે છે. રોષે ભરાયેલા સંબંધીઓ તરત જ સ્કૂલના પરિસરમાં પહોંચ્યા હતા અને ન્યાય આપવાની માગ કરી હતી. તેમણે ભારે હોબાળો કર્યો હતો.

આ વાતની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યોગ્ય પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપી પરિવારને શાંત પાડ્યો હતો. ક્રિષ્ના ચૌહાણને શિક્ષકે માત્ર લાકડી વડે માર્યો જ નહોતો પરંતુ શિક્ષકો દ્વારા તેનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. તેના મોટાભાઈ યોગેશ ચૌહાણના જણાવ્યા મુજબ, શિક્ષકોએ કૂકડો બનવા માટે પણ દબાણ કર્યું હતું. મૃતકના પિતા કોકસિંહ ચૌહાણ ગ્વાલિયરના બહોદપુરમાં રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તેમને ત્રણ બાળકો છે. મૃત બાળક ક્રિષ્ના તેના રમૂજી સ્વભાવના કારણે પરિવારમાં પ્રિય હતો. ૧૨ જુલાઈએ સ્કૂલેથી પરત ફરતી વખતે તેને ઉલટી થવા લાગી હતી અને એક હાથ તેમજ પગ લકવાગ્રસ્ત થયો હોવાનું અનુભવ્યું હતું.

તે જ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતા મોટાભાઈ યોગેશે પરિવારને બે શિક્ષકોએ ક્રિષ્નાનું શોષણ કર્યું હોવાનું કહ્યું હતું. સ્કૂલ મેનેજમેન્ટની સલાહના આધારે ક્રિષ્નાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જાે કે, સ્થિતિ લથડી હતી અને ટ્રોમા સેન્ટરમાં બેભાન અવસ્થામાં તેનું મોત થયું હતું. ક્રિષ્નાનું મોત થતાં પરિવારે રવિવારે સ્કૂલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું પોલીસે દખલગીરી કરી હતી અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. કોકસિંહ ચૌહાણે પોલીસને જણાવ્યું હતું કે, તેમના દીકરાને આઠ મહિના પહેલા આ જ શિક્ષકોએ માર માર્યો હતો. તે સમયે ક્રિષ્નાને ચાર દિવસ સુધી તાવ આવ્યો હતો અને આઘાતના કારણે તે સ્કૂલે જતા પણ ડરતો હતો.

કોકસિંહે વ્યક્તિગત રીતે સ્કૂલની મુલાકાત લીધી હતી અને લેખિતમાં શિક્ષકોને તેમના દીકરાને હિંસાનો શિકાર ન બનાવવાની વિનંતી કરે છે. જાે કે, થોડા સમય સુધી શિક્ષકોએ આવી હરકત કરી નહોતી અને ફરીથી તેનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું. કોકસિંહે ઉમેર્યું હતું કે, તેમનો દીકરો અભ્યાસમાં સારો હતો પરંતુ સ્કૂલ સ્ટાફે તેને કેમ નિશાન બનાવ્યો હતો તે કારણ જાણવા મળ્યું નથી. જે શિક્ષકોએ તેમના દીકરાને માર્યો હતો તેમણે સ્કૂલના પરિસરમાં જ કોચિંગ ક્લાસ શરૂ કર્યા હતા અને ત્યાં જે પણ વિદ્યાર્થીઓએ એડમિશન નહોતું લીધું તેની સાથે ગેરવર્તણૂક કરતા હતા. પોલીસે કહ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Share.
Exit mobile version