શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં મેચ જાેવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દર્શકોને સવારે ૧૦ વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જાેવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને વીઆઈપી મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

મેચને પગલે ડીજીપી વિકાસ સહાયે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને ગુજરાત પોલીસ તરફથી તમામ વ્યવસ્થા કરી લેવામા આવી છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈને સ્ટેડિયમમાં ટ્રાફીક ટીમ અસામાજીક તત્વો પર વોચ રખાશે. અનિચ્છનીય બનાવ ન બને તે બાબતે સુરક્ષા રખાઈ છે. માત્ર સ્ટેડિયમ જ નહીં પરંતુ સ્ટેડિયમ બહાર પણ પોલીસ અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આ મેચમાં ૬ હજાર પોલીસકર્મી બંદોબસ્ત તૈનાત રહેશે સાથે એનએસજી, એનડીઆરએફ, આરએફએફ સહિતની ટીમો વ્યવસ્થામાં જાેડાઈ છે. મેચ દરમિયાન ક્રાઈમ બ્રાંચ, એટીએસની ટીમ પણ એક એક મુવમેન્ટ પર સતત નજર રાખશે. મેચ દરમિયાન ટ્રાફીક વ્યવસ્થા કરાઈ છે. તથા ટ્રાફિકને અગવડતા ન પડે તે માટે પ્રેક્ષકો મેટ્રોનો વધારે ઉપયોગ કરે તેવી વિનંતી છે.

લોકોને અસામાજીક તત્ત્વો માટે બોગસ ટીકીટની બાબતોને ધ્યાને લઈ સતર્ક કરાયા છે. બાતમીના આધારે પણ કામગીરી કરવામાં આવશે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંવેદનશિલ વિસ્તારોમાં વોચ રાખવા જણાવાયું છે. વિજય સરધસની પરવાનગી સ્થાનિક પોલીસ નક્કી કરશે. આવતીકાલે મેચ રાત્રે ૧૦ કે ૧૦ઃ૩૦ કલાકે પૂર્ણ થવાની હોવાથી આવતીકાલે રાત્રે ૮ વાગ્યા પછી પોલીસ એલર્ટ થઈ જશે. એટલું જ નહીં રાજ્યમાં તમામ પોલીસકર્મી અને એસઆરપીને સતર્ક રખાશે. આ ઉપરાંત અનધિકૃત ડ્રોનના ઉપયોગને ટાળવા માટે એન્ટી ગન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. એન્ટી ગન ડ્રોન ૨ કિ.મી.માં ઉડતા અનધિકૃત ડ્રોનની ઓળખ કરી શકે છે.

રથયાત્રા બાદ હવે સ્ટેડિયમમાં પોલીસ દ્વારા એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. શહેરમાં ૪ આઈજી-ડીઆઈજી, ૨૧ ડીસીપી, ૪૭ એસીપી બંદોબસ્તમાં જાેડાશે. આ ઉપરાંત ૧૩૧ પીઆઈ, ૩૬૯ પીએસઆઈ સહિત ૭ હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે. સાથે જ આવતીકાલે ૪ હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જાેડાશે. મોદી સ્ટેડિયમમાં ૨ હજાર જેટલા સીસીટીવીથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે ૧ હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. સ્ટેડિયમ ખાતે બીડીડીએસ વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવશે.

Share.
Exit mobile version