ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝની પ્રથમ ત્રણ મેચ ખુબ રોમાંચક રહી હતી. પરંતુ આ સિરીઝ દરમિયાન ડેવિડ વોર્નર જેવો સ્ટાર ખેલાડી ખરાબ સમયથી પસાર થઇ રહ્યો છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ડેવિડ વોર્નરની ટેસ્ટ ક્રિકેટમાં સફર પૂરી થઈ ગઈ છે. ડેવિડ વોર્નરની પત્નીએ પણ આવી પોસ્ટ લખી છે જે દર્શાવે છે કે આ સ્ટાર ભાગ્યે જ ટેસ્ટ ક્રિકેટ રમતા જાેવા મળશે. એક ફોટો શેર કરતા ડેવિડ વોર્નરની પત્નીએ લખ્યું કે, “અમારા માટે ટેસ્ટ ક્રિકેટની સફરનો અંત આવી ગયો છે. આ એક અદ્ભુત અનુભવ હતો. અમે હંમેશા તમારા સૌથી મોટા સમર્થકો રહ્યા છીએ.”આ પોસ્ટ સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ડેવિડ વોર્નર હવે ટેસ્ટ ક્રિકેટ રમતા જાેવા નહીં મળે. આવું થવાનું બીજું મોટું કારણ એશિઝ સિરીઝમાં વોર્નરનું ફ્લોપ પ્રદર્શન છે.
વોર્નર ત્રણ મેચમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો છે. વોર્નરને બ્રોડ સામે રમવામાં મુશ્કેલી થઇ રહી છે. ત્રીજી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં વોર્નર માત્ર એક-એક રન જ બનાવી શક્યો હતો.ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પણ એવું નિવેદન આપ્યું હતું જેનાથી એવું લાગે છે કે પ્લેઈંગ ઈલેવનમાં વોર્નરનું સ્થાન હવે નિશ્ચિત નથી. કમિન્સે કહ્યું, “ગ્રીન પરત ફરવા માટે તૈયાર છે.” માર્શે સદી ફટકારી છે. માર્શને ટીમમાંથી બહાર કરી શકાય નહીં. અમે જાેઈશું કે અમારી શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે.
ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો સંકેત પહેલા જ આપી દીધો હતો. વોર્નર આ વર્ષના અંતમાં નિવૃત્ત થવાનો હતો. પરંતુ એવું લાગે છે કે ખરાબ ફોર્મના કારણે વોર્નરને પ્લાન મુજબ નિવૃત્તિ લેવાની તક નહીં મળે. વોર્નરની જગ્યાએ હેડ ઓસ્ટ્રેલિયા માટે ઓપનિંગની જવાબદારી સંભાળતો જાેઈ શકાય છે.