શ્રીલંકાએ ભારતમાં રમાનાર વનડે વિશ્વકપ માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. શ્રીલંકાએ વિશ્વકપ ક્વોલિફાયરના એક મુકાબલામાં ઝિમ્બાબ્વેને હરાવી આ સિદ્ધિ મેળવી છે. બુલાવાયોમાં રમાયેલા મુકાબલામાં શ્રીલંકાને જીત માટે ૧૬૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, તેણે ૧ વિકેટ ગુમાવી ૩૩.૧ ઓવરમાં હાસિલ કરી લીધો હતો.
શ્રીલંકાની જીતમાં ઓપનર પથુમ નિશંકાએ મહત્વની ભૂમિકા ભજવતા અણનમ સદી ફટકારી હતી. પથુમે ૧૦૨ બોલનો સામનો કરતા અણનમ ૧૦૧ રન બનાવ્યા હતા. અનુભવી બેટર દિમુથ કરૂણારત્નેએ ૩૦ અને કુસલ મેન્ડિસે ૨૫* રન ફટકાર્યા હતા. તો મેચમાં ચાર વિકેટ ઝડપનાર સ્પિનર મહીષ તીક્ષ્ણા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ ૩૨.૨ ઓવરમાં ૧૬૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી ફોર્મમાં ચાલી રહેલા બેટર સીન વિલિયમ્સે સૌથી વધુ ૫૬ રન ફટકાર્યા હતા, જેમાં છ ચોગ્ગા અને એક સિક્સ સામેલ હતી. તો સિકંદર રઝાએ ૩૧ રનનું યોગદાન આપ્યું હતું. શ્રીલંકા તરફથી સ્પિનર તીક્ષ્ણાએ ચાર અને ફાસ્ટ બોલર દિલશાન મદુશંકાએ ત્રણ વિકેટ લીધી હતી. પથિરાનાને બે સફળતા મળી હતી. ભારતમાં આ વર્ષે યોજાનાર વિશ્વકપમાં કુલ ૧૦ ટીમ ભાગ લઈ રહી છે.

આઠ ટીમોએ ટૂર્નામેન્ટમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. તો બે અન્ય ટીમો ક્વોલિફાયર દ્વારા મુખ્ય રાઉન્ડમાં પહોંચશે, જે અત્યારે ઝિમ્બાબ્વેમાં રમાઈ રહ્યો છે. તેમાંથી શ્રીલંકન ટીમે તો પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. હવે એક સ્થાન માટે ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ રેસમાં છે. જાે ઝિમ્બાબ્વે પોતાની અંતિમ મેચમાં સ્કોટલેન્ડને હરાવી દેશે તો તે વિશ્વકપ માટે ક્વોલિફાઈ કરી લેશે, જાે ઝિમ્બાબ્વે હારશે તો નેટ રનરેટના આધારે એક ટીમનો ર્નિણય થશે.

Share.
Exit mobile version