ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા જૂનાગઢના દળવા ગામના યુવકે મોતને વ્હાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠગ ટોળકીએ જે રીતે યુવકને ફસાવ્યો તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. હાલ પોલીસે અજાણ્યા ૫ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આ મામલે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડ નામના યુવકનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો. જે બાદ બંને વચ્ચે વાતચીત થઈ હતી. યુવતીએ વીડિયોકોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. વીડિયો કોલ કરીને યુવતીએ અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો હતો.
જે બાદ આ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવાની શરૂ કરી હતી. અમિતના ફોન પર વારંવાર ફોન અને મેસેજ કરીને ધમકી આપી પૈસાની માંગણી કરવામાં આવતી હતી. જેથી યુવકે યુવતીએ કટકે-કટકે ૪૮ હજાર ૫૦૦ રૂપિયા આપ્યા હતા. ૪૮ હજારથી વધુ રૂપિયા આપવા છતા યુવતીએ વધુ રૂપિયાની માંગ કરી હતી.
જે બાદ અમિતના નંબર પર અલગ અલગ યુવકોના ફોન ચાલું થઈ ગયા હતા. આ ટોળકીએ અમિત સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ જણાવ્યું હતું સાથે જ યુવતીએ અમિતના વોટ્સએપ પર એફઆઈઆરની બોગસ કોપીની નકલ પણ મોકલી હતી.
આ ઠગ ટોળકી દ્વારા વાંરવાર રૂપિયાની માંગ કરવામાં આવી રહી હતી. જેથી કંટળીને અમિતે આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલે પોલીસે ૫ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.