આફ્રિકન મૂળના ૧૭ વર્ષના કિશોરની હત્યાના મામલે ફ્રાંસમાં હિંસા ફાટી નીકળી છે. સતત બીજા દિવસે ફ્રાંસની રાજધાની પેરિસમાં આગ ચંપી અને હિંસક દેખાવો ચાલુ રહ્યા હતા.
રસ્તા પર ઉતરેલા દેખાવકારોએ સેંકડો ગાડીઓને આગના હવાલે કરી દીધી હતી. ફ્રાંસની સરકારે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરીને રાજધાનીમાં વધુ ૨૦૦૦ સુરક્ષા કર્મીઓને તૈનાત કર્યા છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પેરિસની સાથે સાથે ફ્રાંસના ટુલિઝ શહેરમાં પણ દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ છે. બીજી તરફ પેરિસમાં દેખાવો ચાલુ છે. સોશિયલ મીડિયા પર પણ તેની તસવીરો અને વિડિયો શેર થઈ રહ્યા છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોંએ કિશોરની હત્યાને માફી ના આપી શકાય તેવો ગુનો ગણાવ્યો છે. જાેકે સમગ્ર બનાવની હાલમાં તપાસ ચાલી રહી છે. પોલીસનુ કહેવુ છે કે, ટ્રાફિક પોલીસના ચેકિંગ દરમિયાન આ કિશોરને કાર રોકવા માટે કહેવામાં આવ્યુ હતુ પણ કિશોરે ઈનકાર કરી દીધો હતો.
આ ઘટનાનો પણ વિડિયો વાયરલ થઈ ચુકયો છે. જેમાં એક પોલીસ અધિકારી કાર ચાલકને નજીકથી ગોળી મારતો દેખાય છે. એ પછી આ કિશોરનુ મોત થયુ હતુ. કિશોરના પરિવારનુ કહેવુ છે કે, વિડિયો જ દર્શાવી રહ્યો છે કે, આ એક મર્ડર છે.
દરમિયાન ફ્રાંસની સંસદમાં કિશોરની હત્યાના વિરોધમાં એક મિનિટનુ મૌન પાળવામાં આવ્યુ હતુ અને ફ્રાંસના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને કહ્યુ હતુ કે, ફાયરિંગની ઘટનામાં નિયમોનુ પાલન નથી થયુ તે દેખાઈ રહ્યુ છે.
બીજી તરફ પરિવારે પોલીસ અધિકારી સામે હત્યાની ફરિયાદ પણ નોંધાવી છે.
આ વર્ષે ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસના ફાયરિંગમાં કોઈનો જીવ જવાની ત્રીજી ઘટના છે.

Share.
Exit mobile version