ઈન્ડોનેશિયાના જાવા દ્વિપ પર શુક્રવારે ૬.૪ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં ૧૦ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ભૂકંપ દરમિયાન એક વ્યકિતિને હાર્ટ એટેક આવવાથી મોત થઈ ગયુ હતું. બીએનપીબીના પ્રવક્તા અબ્દુલ મુહારીએ જણાવ્યું કે, ભૂકંપના કારણે મધ્ય જાવા પ્રાંતના ક્ષેત્રમાં ફેલાયેલા સેંકડો ઘરો, કેટલાક કાર્યાલયો, સ્વાસ્થ્ય અને શિક્ષા સુવિધાઓને સામાન્ય નુકશાન થયું છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ૨૫ કિમીની ઊંડાઈએ આવેલો ભૂકંપ યોગ્યકાર્તા ક્ષેત્રના અનેક શહેરોમાં તેમજ ઈન્ડોનેશિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ પૂર્વ અને મધ્ય જાવામાં અનુભવાયો હતો. સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં નથી આવી. ઈન્ડોનેશિયામાં ભૂકંપ સામાન્ય છે કારણ કે તે ભૂકંપની રીતે સક્રિય ક્ષેત્ર છે. ઈન્ડોનેશિયા દક્ષિણપૂર્વ એશિયામાં કહેવાતા ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ માં ફેલાયેલુ છે. જે એક અત્યંત સક્રિય સિસ્મિક ઝોન જ્યાં પૃથ્વીના પોપડા પરની વિવિધ પ્લેટો મળે છે અને મોટી સંખ્યામાં ધરતીકંપો અને જ્વાળામુખી ઉત્પન્ન કરે છે.
ભૂકંપના કારણે યોગ્યકાર્તા અને તેના પડોશી પ્રાંતો મધ્ય જાવા અને પૂર્વ જાવામાં ઓછામાં ઓછા ૯૩ મકાનો તેમજ અન્ય ઈમારતોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે ભૂકંપના કારણે શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, પૂજા સ્થાનો અને સરકારી કચેરીઓને નુકસાન થયું છે. એજન્સી યોગ્યકાર્તા શહેર અને ગુનુંગ કિડુલ અને કેબુમેન જિલ્લામાં ઘરોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે. આ અગાઉ ગત એપ્રિલમાં જાવાના ઉત્તર કિનારે ૭.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જાે કે આ દરમિયાન કોઈ જાનહાની નથી થઈ.
ગત વર્ષે ૨૧ નવેમ્બરે પશ્ચિમ જાવાના સિયાનજુર શહેરમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. ૫.૬ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા ૩૩૧ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૬૦૦ લોકો ઘાયલ થયા હતા.