જેલમાં સળિયા પાછળ રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. લોરેન્સ બિશ્નોઈ કહે છે કે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તેમને ધમકીભર્યા ફોન કરવાને બદલે પૈસા આપે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી આ નેતાઓ અને વેપારીઓને પોલીસ સુરક્ષા મળી શકે. હકીકતમાં, બિશ્નોઈ એપ્રિલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની કસ્ટડીમાં હતો. એનઆઈએએ ખાલિસ્તાની સંગઠનોને ફંડિંગ સંબંધિત એક કેસમાં બિશ્નોઈની પૂછપરછ કરી હતી.લોરેન્સ બિશ્નોઈ કોંગ્રેસ નેતા અને ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી છે. હાલ તે ભટિંડા જેલમાં બંધ છે. જાણવા મળ્યું છે કે એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કર્યા બાદ મળેલી માહિતી કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આપી છે. એનઆઈએની પૂછપરછમાં બિશ્નોઈએ ઘણા મોટા ખુલાસા કર્યા છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે બિશ્નોઈએ તપાસકર્તાઓને જણાવ્યું છે કે તે દર મહિને દારૂના વિક્રેતાઓ, કોલ સેન્ટરના માલિકો, ડ્રગ સપ્લાયર્સ અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન પાસેથી ૨.૫ કરોડ રૂપિયાની ખંડણી વસૂલ કરે છે. ગેંગસ્ટરે એવો પણ દાવો કર્યો હતો કે આ દિવસોમાં ઘણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ તેને ધમકીભર્યા કોલ કરવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવી રહ્યા છે. તેણે તપાસકર્તાઓને એમ પણ કહ્યું હતું કે આ બધા લોકોને પોલીસ સુરક્ષા મળી રહે તે માટે તેને પૈસાઆપીને તેની પાસે કોલ કરાવવામાં આવી રહ્યા છે.
બિશ્નોઈએ એનઆઈએને જણાવ્યું કે તેના ‘બિઝનેસ મોડલ’માં ઘણા સહયોગીઓ સામેલ છે. આ સહયોગીઓ જેલમાં બંધ ગેંગસ્ટર છે, જેઓ અલગ-અલગ રાજ્યોમાં સજા કાપી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ધનંજય સિંહ, હરિયાણામાં કાલા જથેરી, રાજસ્થાનમાં રોહિત ગોદરા અને દિલ્હીની જેલમાં રોહિત મોઈ અને હાશિમ બાબા લોરેન્સ બિશ્નોઈના સહયોગી છે.એક અધિકારીનું કહેવું છે કે આ બિઝનેસ મોડલમાં આ તમામ ગુંડાઓ ટોલ સિક્યુરિટી અને કમિશન વસૂલ કરે છે. જાે તેઓને લાગે છે કે પ્રતિસ્પર્ધીને ખતમ કરવો પડશે, તો તેઓ એકબીજાને શસ્ત્રો અને શૂટર્સ પ્રદાન કરે છે.
ગેંગસ્ટર બિશ્નોઈએ તો એવો પણ દાવો કર્યો હતો કે ૧૯૯૮ના કાળા હરણના શિકાર કેસમાં તેનું નામ સામે આવ્યું ત્યારથી બોલીવુડ અભિનેતા સલમાન ખાન તેના નિશાના પર છે. હકીકતમાં, બિશ્નોઈ સમાજમાં કાળા હરણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. બિશ્નોઈનું કહેવું છે કે જાે સલમાન માફી માંગે તો તે તેને માફ કરી દેશે.સૂત્રોનું કહેવું છે કે પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તે ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ધ છે. તે કહે છે કે તે માત્ર અન્ય ગુનેગારો સાથે મળીને તેના ગુનાનો વ્યવસાય ચલાવવા માંગે છે. તેનું કહેવું છે કે તે ડી-કંપની અને દાઉદ ઈબ્રાહિમની પણ વિરુદ્ધ છે. તેનો દાવો છે કે તે આવનારા દિવસોમાં દાઉદની વિરુદ્ધમાં રહેલા ગુંડાઓ સાથે કામ કરવા જઈ રહ્યો છે.