છેલ્લા ઘણા સમયથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડનું નામ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યું છે. આ બંનેના કારનામા બહાર લાવવા એનઆઈએપણ સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે એનઆઈએએ એક ચાર્જશીટ ફાઈલ કરી હોવાનું સામે આવ્યું છે. આ ચાર્જશીટમાં લોરેન્સ બિશ્નોઈની તુલના દાઉદ ઈબ્રાહિમ સાથે કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, કેનેડા અને ભારતમાંથી વોન્ટેડ ગોલ્ડી બરાડ સહિત ઘણા કુખ્યાત ગેંગસ્ટર્સો વિરુદ્ધ ગેંગસ્ટર ટેરર કેસમાં ચાર્જશીટ નોંધી મોટો ખુલાસો કર્યો છે. એનઆઈએએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે, જેમ ૯૦ના દાયકામાં દાઉદ ઈબ્રાહિમે નાના-મોટા ગુનાઓ આચરી પોતાનું નેટવર્ક ઉભુ કર્યું હતું, ઠીક તેવી જ રીતે લોરેન્સ બિશ્નોઈ અને તેનું ટેરર સિન્ડિકેટ અભૂતપૂર્વ રીતે ફેલાયેલું છે. નોંધનીય છે કે, દાઉદ ઈબ્રાહિમે ડ્રગની તસ્કરી, ટારગેટ કિલિંગ, એક્સટોર્શન રેકેટ દ્વારા તેણે ડી કંપની બનાવી, ત્યારબાદ પાકિસ્તાની આતંકવાદીઓ સાથે જાેડી જમાવી અને પોતાનું નેટવર્ક ફેલાવ્યું. દાઉદ ઈબ્રાહિમ અને ડી કંપનીની જેમ જ લોરેન્સ ગેંગે નાના-મોટા ગુનાઓ આચરી શરૂઆત કરી અને પછી પોતાની ગેંગ ઉભી કરી અને નોર્થ ઈન્ડિયામાં બિશ્નોઈ ગેંગે કબ્જાે જમાવ્યો.
કેનેડા પોલીસ અને ભારતીય એજન્સીના વોન્ટેડ આરોપી સતવિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બરાડ દ્વારા બિશ્નોઈ ગેંગ ઓપરેટ કરવામાં આવી રહી છે. એનઆઈએએ જણાવ્યું કે, બિશ્નોઈ ગેંગમાં ૭૦૦થી વધુ શૂટર છે, જેમાં ૩૦૦ પંજાબના છે. બિશ્નોઈ ગેંગે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં એક્સટોર્શન દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી અને આ નાણાં હવાલા દ્વારા વિદેશમાં મોકલવામાં આવ્યા.
એનઆઈએના જણાવ્યા મુજબ બિશ્નોઈ ગેંગનું વર્ચસ્વ માત્ર પંજાબ પુરતું જ નહીં, અન્યો રાજ્યોમાં પણ તેની ધાક હતી. લોરેન્સે તેના સાતીર દિમાગ અને નજીકના સાથી ગોલ્ડી બરાડ સાથે મળીને હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની ગેંગ સાથે જાેડી જમાવી અને મોટી ગેંગ બનાવી… બિશ્નોઈ ગેંગ હવે આખા નોર્થ ઈન્ડિયામાં, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન અને ઝારખંડમાં ફેલાયો છે. યુવાઓને ગેંગમાં રિક્રૂટ કરવા સોશિયલ મીડિયા અને અન્યોનો ઉપયોગ કરવામાં આવે છે.
યુવાઓને કેનેડા અથવા તેમના મનપસંદ દેશમાં શિફ્ટ કરાવવાની લાલચ આપી ગેંગમાં ભરતી કરાવવામાં આવે છે. એનઆઈએના જણાવ્યા મુજબ પાકિસ્તાનમાં બેઠેલો ખાલિસ્તાની આતંકવાદી હરવિંદર સિંહ રિંદા પંજાબમાં ટાર્ગેટ કિલિંગ અને ગુનાહિત ગતિવિધિઓને અંજામ આપવા માટે બિશ્નોઈ ગેંગના શૂટરનો ઉપયોગ કરતો હતો. એનઆઈએએ થોડા દિવસો પહેલાં જ કોર્ટમાં યુએપીએહેઠળ લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બરાડ સહિત કુલ ૧૬ ગેંગસ્ટર વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.