અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઘર નજીકથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસેથી વિસ્ફોટક અને ખતરનાક હથિયારો મળી આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઓળખ સિએટલના ૩૭ વર્ષીય ટેલર ટેરેન્ટો તરીકે થઈ છે. સુરક્ષા અધિકારીઓએ તેને ઓબામાના ઘરની નજીક જાેયો હતો અને તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. આ પછી ટેરેન્ટો ઓબામાના ઘર તરફ દોડવા લાગ્યો હતો. જાે કે તે સમયસર ઝડપાઈ ગયો હતો. મળેલ માહિતી મુજબ આ વ્યક્તિ યુએસ કેપિટલ રાયટ્સમાં વોન્ટેડ છે.
ધરપકડ દરમિયાન અધિકારીઓને ટેરેન્ટોનું વાહન નજીકમાં પાર્ક થયેલું મળ્યું હતું. તે ઘણા હથિયારો અને વિસ્ફોટક ઉપકરણોથી ભરેલું હતું. જાે કે આ ઉપકરણો એસેમ્બલ થયા ન હતા. સુત્રો અનુસાર, ટેરેન્ટોએ અગાઉ લાઇવ બ્રોડકાસ્ટ દરમિયાન સોશ્યલ મીડિયા પર એક લોકપ્રિય વ્યક્તિ સામે ધમકીઓ આપી હતી. આનાથી અમેરિકન અધિકારીઓ ચિંતિત છે. આ સિવાય ૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થયેલા કેપિટલ રાયટ્સમાં પણ ટેરેન્ટો વિરુદ્ધ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
અધિકારીઓનું આ વાત પર ધ્યાન ગયું કે ટેરેન્ટો ઓબામાના ઘરની નજીક ઊભો હતો તે કોઈ સંયોગ નથી. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ડીસી વિસ્તારમાં રહેતો હતો. તે પોતાની વાન સાથે ડીસી જેલની બહાર પડાવ નાખતો જાેવા મળ્યો હતો. ૬ જાન્યુઆરીની ઘટનાના ઘણા ગુનેગારો આ જેલમાં બંધ છે.
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, ટેરેન્ટો સામેના આરોપોમાં ભાગેડુ હોવાનો પણ સમાવેશ છે. આ ઘટના દરમિયાન કોઈને ઈજા થઈ ન હતી, જાે કે ધરપકડ સમયે ઓબામા પરિવાર ઘરમાં હાજર હતો કે કેમ તે સ્પષ્ટ નથી.