ઓસ્ટ્રેલિયાએ એશિઝ ટેસ્ટ સિરીઝની બીજી મેચ જીતીને પાંચ મેચોની સિરીઝમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્‌સમાં ઈંગ્લેન્ડને ૪૩ રનથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા ભલે આ મેચ જીતી ગયું હોય, પરંતુ આ મેચ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે રહી હતી. સ્ટોક્સે આ મેચની બીજી ઈનિંગમાં શાનદાર ૧૫૫ રન બનાવ્યા અને પોતાની ટીમને જીતની નજીક લઈ ગયો હતો. આ સાથે આ મેચમાં બેન સ્ટોક્સે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત છે, પરંતુ તે આઉટ થતાં જ બધું બદલાઈ ગયું. જાેશ ટોંગ અને એન્ડરસને લડાઈ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ અસફળ રહ્યા અને અંતે તેમની ટીમનો પરાજય થયો.

આ મેચની ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડને ૩૭૦ રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ઈંગ્લેન્ડની ચાર વિકેટ ૪૫ રનમાં પડી ગઈ હતી. આવી સ્થિતિમાં કેપ્ટન સ્ટોક્સ બેટિંગ કરવા આવ્યો હતો. સ્ટોક્સે બેન ડકેટ સાથે સારી ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને મેચમાં પરત લાવ્યું હતું અને ચોથા દિવસની રમત પૂરી થઈ ગઈ હતી. પાંચમા દિવસની શરૂઆતથી જ બંનેએ સારી બેટિંગ શરૂ કરી અને ઈંગ્લેન્ડની જીતની તકો વધવા લાગી. જાે કે ડકેટ ૮૩ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જાેની બેયરસ્ટો બેટિંગ કરવા આવ્યો હતો. સ્ટોક્સે તેની સાથે ભાગીદારી બનાવવાનું શરૂ કર્યું, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે રમતની ભાવનાની વિરુદ્ધ જઈને બેયરસ્ટોને આઉટ કર્યો.
બેયરસ્ટોના આઉટ થયા બાદ સ્ટોક્સે અલગ રીતે રમવાનું શરૂ કર્યું.

તેણે મોટા શોટ રમવાનું શરૂ કર્યું અને ગ્રીનની એક ઓવરમાં ૨૪ રન ફટકારી દીધા હતા. જાે કે તેની ટીમ જીતથી ૭૦ રન દૂર હતી ત્યારે તે આઉટ થઈ ગયો હતો અને અંતે ઈંગ્લેન્ડ ૪૩ રનથી મેચ હારી ગયું હતું, પરંતુ સ્ટોક્સે તેની ઈનિંગથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. તેણે ૨૧૪ બોલમાં ૯ ચોગ્ગા અને ૯ છગ્ગાની મદદથી ૧૫૫ રન બનાવ્યા હતા. અગાઉ તેણે ઓસ્ટ્રેલિયા સામે આવી ઈનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી, પરંતુ આ વખતે મેચનું પરિણામ તેના પક્ષમાં આવ્યું ન હતું. જાે કે જ્યારે તે આઉટ થઈને પાછો ફર્યો તો વિપક્ષી ખેલાડીઓ પણ તેના વખાણમાં તાળીઓ પાડી રહ્યા હતા.

આ મેચમાં બેન સ્ટોક્સે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન છે જેણે ટેસ્ટ મેચની ચોથી ઈનિંગમાં છઠ્ઠાનંબર પર કે તેનાથી નીચેના ક્રમમાં બેટિંગ કરી ૧૫૦થી વધુ રન બનાવ્યા છે. તે ચોથી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ માટે પાંચમો સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી પણ બન્યો હતો. આ મામલામાં બિલ એડરિચ ૨૧૯ રન સાથે સૌથી આગળ છે. વર્ષ ૨૦૦૧ બાદ આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે ચોથી ઈનિંગમાં ૧૫૦થી વધુ રન બનાવ્યા હોય. સ્ટોક્સે આ ઇનિંગમાં ગ્રીનની એક ઓવરમાં ૨૪ રન બનાવ્યા હતા. આ સાથે, તે ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર બીજાે ખેલાડી બન્યો. હેરી બ્રુકે એક ઓવરમાં સૌથી વધુ ૨૭ રન બનાવ્યા હતા.

Share.
Exit mobile version