ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી૨૦ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે ભારતીય ટીમે ત્રણ મેચની સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે.
બાંગ્લાદેશની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કર્યા બાદ ભારતીય મહિલા ટીમ સામે ૧૧૫ રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેને હરમનપ્રીત કૌરની ટીમે ૨૨ બોલ બાકી રહેતા માત્ર ત્રણ વિકેટ ગુમાવી હાસિલ કરી લીધો હતો. ભારતીય મહિલા ટીમ તરફથી કેપ્ટન હરમનપ્રીતે માત્ર ૩૫ બોલમાં અણનમ ૫૪ રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે છ ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. તો સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ૩૪ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૩૮ રન બનાવ્યા હતા.
આ પહેલા ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં ઝટકો લાગ્યો હતો. ઓપનર શેફાલી વર્મા શૂન્ય રન બનાવી આઉટ થઈ હતી. ત્યારબાદ જેમિમા રોડ્રિગ્સે ૧૪ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૧ રન બનાવ્યા હતા. અંત માંહરમનપ્રીત કૌરની સાથે વિકેટકીપર યાસ્તિકા ભાટિયા ૯ રન પર અણનમ રહી હતી.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશ મહિલા ટીમની શરૂઆત ધીમી રરી હતી. પાંચમી ઓવરમાં ૨૭ રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડી હતી. શમીમા સુલ્તાન ૧૨ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૭ રન બનાવી આઉટ થઈ હતી. તેના આઉટ થયા બાદ રન ગતિ પર બ્રેક લાગી હતી.
બાંગ્લાદેશે ૯મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. શાથી રાની ૨૬ બોલમાં ચાર ચોગ્ગાની મદદથી ૨૨ રન બનાવી આઉટ થઈ હતી. તો ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવેલી સોભાનાએ ૩૩ બોલમાં ૨૩ રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટર નિગાર સુલ્તાના બે રન બનાવી પેવેલિયન પરત ફરી હતી. શોરના અખ્તરે ૨૮ બોલમાં બે સિક્સની મદદથી ૨૮ રન બનાવી ટીમનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. ભારતીય મહિલા ટીમ તરફથી બોલિંગમાં પૂજા વસ્ત્રાકર, મિન્નૂ મણિ અને શેફાલી વર્માએ એક-એક વિકેટ લીધી હતી.