ભાતીગળ પ્રદેશ કચ્છ પર આ વર્ષે અષાઢી બીજ પૂર્વે જ ત્રાટકેલા બિપોરજાેય વાવાઝોડાને કારણે વહેલા વરસાદનું આગમન થઇ ચૂક્યું છે ત્યારે બીજી તરફ, ભારત-પાકિસ્તાનની ભૂમિસીમા નજીકના કચ્છના મોટા રણમાં રા’લાખે જા જાની તરીકે ઓળખાતાં રૂપકડાં સુરખાબ પક્ષીઓનું સમયસર આગમન થયું છે.
મળતી વિગતો પ્રમાણે આ સુરખાબ પંખીઓ છેલ્લા બે દિવસથી હડપીયન વસાહત ધોળાવીરાથી ૧૦ કિલોમીટર દૂર ભાંજડા ડુંગર આસપાસના વિસ્તારો,ભાંજડા દાદાના સ્થાનકની આસપાસ તેમજ શીરાનીવાંઢ વિસ્તારમાં એક પછી એક ઉતરાણ કરી રહ્યા છે અને સારી એવી સંખ્યામાં સુરખાબ જાેવા મળી રહ્યા હોવાનું ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. જાે પર્યાવરણીય સંજાેગો અનુકૂળ હોય તો આ સુરખાબ જુલાઈ મહિનાના પ્રારંભથી કચ્છમાં આવે છે અને કચ્છના મોટા રણમાં ઈંડા મૂકી, પ્રજનન કરી, બાળ સુરખાબો ઉડતા થાય કે તરત જ નવેમ્બર મહિના સુધી ફરી પાછા અહીંથી સ્થળાન્તર કરી જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છના મોટા રણમાં વધેલી માનવીય ચહલપહલને કારણે કચ્છમાં આવતા આ વિદેશી યાયાવર પંખીઓની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે પણ આ વર્ષે સૂરખાબનું આગમન સમયસર શરૂ થઇ જતાં પર્યાવરણ પ્રેમીઓમાં આનંદ ફેલાયો છે.
કચ્છમાં દર વર્ષે આવતા આ સુરખાબની ચાર પ્રકારની જાતો છે જે અમેરિકા અને કેરેબિયન ટાપુઓના વેસ્ટઇંડીઝ આસપાસના દેશોમાં જાેવા મળે છે, જયારે આફ્રિકા, એશિયા અને યુરોપ ખંડમાં તેની ચાર પૈકીની માત્ર બે પ્રજાતિ જાેવા મળે છે. ખડીરમાં ગ્રેટર અને લેઝર બન્ને પ્રકારના સુરખાબ વરસાદ પડયા બાદ હજારો કિલોમીટરની સફર ખેડીને આવે છે.
હાલ લેઝર સુરખાબ આવ્યા છે. આગામી સમયમાં ગ્રેટર સુરખાબ પણ પડાવ નાખશે તેવું સોઢાએ ઉમેર્યું હતું.
આ વર્ષે વહેલા અતિભારે વરસાદ બાદ સાફ થયેલી આબોહવાના કારણે કચ્છ તરફ આવી રહેલા ફ્લેમિંગોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે તેવી પક્ષીપ્રેમીઓની આશા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચક્ર માટે, સામાન્ય ક્રેન્સ અને સેંકડો પેઇન્ટેડ સ્ટોર્ક, રેપ્ટર્સ અને સ્પૂનબિલ્સ સહિત અન્ય પક્ષીઓ કચ્છના મહેમાન બને છે. ભીની માટી યાયાવર પક્ષીઓ ઉપરાંત ચિંકારા, વરુ, કારાકલ, રણમાં જ જાેવા મળતી દુર્લભ બિલાડીઓ અને રણના શિયાળને પણ આકર્ષે છે. વરસાદના કારણે કચ્છ તરફ વહેતી નદીઓના પાણી અહીં ઠલવાય છે અને માટીના કારણે આ વિસ્તાર કાદવ યુક્ત બને છે જે વિદેશી પક્ષીઓના રહેઠાણ માટે એક આદર્શ જગ્યા હોવાથી દર વર્ષે પોતાના ઋતુ પ્રવાસ દરમિયાન પક્ષીઓ આ સ્થળે રહેણાંક બનાવતા હોય છે.