સુરતમાં બન્યો છે મોદીએ ફર્સ્ટ લેડી જિલ બાઈડનને આપેલો ગ્રીન ડાયમંડ
પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે, ત્યાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ બુધવારે તેઓ વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. અહીં પ્રેસિડેન્ટ જાે બાઈડન દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે ખૂબ વાતચીત થઈ હતી તેમજ એકબીજાને ઘણી બધી ગિફ્ટ પણ આપી હતી. તેમાંથી એક ગિફ્ટ ફર્સ્ટ લેડી જિલ બાઈડન માટે હતી, જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મોદીએ જિલને ૭.૫ કેરેટનો લેબમાં બનેલો ગ્રીન કલરનો ડાયમંડ આપ્યો હતો. આ ડાયમંડ જાેઈ તેમના ચહેરા પર એક અલગ જ સ્મિત હતું. આવું જ કંઈક સ્મિત હાલ સુરતના ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ સાથે જાેડાયેલા વેપારીઓના ચહેરા પર છે.
આ ગિફ્ટે શહેરના લેબગ્રોન ડાયમંડ (એલજીડી) ઈન્ડસ્ટ્રીની આશાને વધારી છે કારણે આ ડાયમંડને શહેર સ્થિત એક મેન્યુફેક્ચરરે બનાવ્યો હતો. આ ડાયમંડની ક્વોલિટી માત્ર કુદરતી ડાયમંડના શુદ્ધ ફોર્મ સાથે મેળ જ નથી ખાતી પરંતુ તે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને બનાવ્યો હોવાથી તે એક ડગલું આગળ છે. પીએમ મોદીના આ પગલાને એલજીડી ઈન્ડસ્ટ્રી માટે એક મોટા પ્રોત્સાહન તરીકે જાેવામાં આવી રહ્યું છે, કારણ તે ભારતીય ડાયમંડ અને જ્વેલરી સેક્ટર માટે અમેરિકાએ સૌથી મોટું માર્કેટ છે. સમગ્ર વિશ્વાસમાં માગમાં ઘટાડો થવાના કારણે ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ડાયમંડ સિટી વૈશ્વિક સ્તરે ૧૧ નેચરલ ડાયમંડમાંથી ૯ ડાયમંડને પોલિશ કરે છે. હવે, એલજીડી મેન્યુફેક્ચરિંગના મુખ્ય હબ તરીકે ઉભરી રહેલા શહેર માટે ખાસ ગિફ્ટને તેના હેતુની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
ભારત માટે સૌથી મોટા માર્કેટ ગણાતા અમેરિકામાં ડાયમંડ અને જ્વેલરી સેક્ટરને પ્રમોટ કરવું તે અમારા માટે સૌથી મોટી વાત છે. ડાયમંડની ગિફ્ટ આપવાથી સેક્ટર લાઈમલાઈટમાં આવ્યું છે’, તેમ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેને વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સેક્ટરને પ્રમોટ કરવા માટે તેની સાથે જાેડાયેલા તમામ લોકો પીએમ મોદીના આભારી છે. આ એલજીડીમાં ટાઈપ ૨છ ક્વોલિટીનો ડાયમંડ છે, જે કોહીનૂર જેવા કુદરતી ડાયમંડનું શુદ્ધ સ્વરૂપ છે. તે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. તે ૭.૫ કેરેટનો ડાયમંડ છે અને ભારતની સ્વતંત્રતા ૭૫ વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખી બનાવાયો છે’, તેમ ગુજરાતના એલજીડી કમિટીના કન્વીનર સ્મિત પટેલે જણાવ્યું હતું. ‘કુદરતી ડાયમંડની જેમ આ ડાયમંડમાં વિઝ્યુઅલ અને ઓપ્ટિકલ પ્રોપર્ટી છે, જે સીવીડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસિત કરાયો છે.
તેને બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો અને બાદમાં શ્રેષ્ઠ કારીગરો દ્વારા પોલિશ કરવામાં આવ્યો હતો’, તેમ પટેલે ઉમેર્યું હતું. ‘એલજીડીનું ઉત્પાદન અહીં થતું હોવાથી ડાયમંડ સિટી માટે આ ગર્વની વાત છે. તે સમગ્ર ડાયમંડ અને જ્વેલરી સેક્ટરને પ્રમોટ કરશે’, તેમ GJEPCના રિજનલ ચેરમેન વિજય માંગસુકિયાએ જણાવ્યું હતું. GJEPCના અધિકારીઓ અને એલજીડીના ડાયમંડ મેન્યુફેક્ચરરે પીએમ મોદીની ઓફિસમાં ડાયમંડની સપ્લાય કરનારા મેન્યુફેક્ચરનું નામ જાહેર કરવાનો ઈનકાર કર્યો હતો.