ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ કરોડની કિંમતની હેરોઇનની કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવેલ એક આફ્રિકન (બેનીનનો નાગરિક) તસ્કરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને ત્યાર બાદ જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પેટમાંથી હેરોઇન ભરેલી ૪૩ કેપ્સૂલ બહાર કાઢવામાં આવી હતી. તેવું ડીઆરઆઇના સૂત્રોએ જણાવ્યું હતું.
આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મૂળ આફ્રિકન દેશ બેનીનો આ તસ્કર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૧ જૂનના વિમાનમાંથી ઉતર્યો કે તરત જ ડીઆરઆઇના અધિકારીઓએ પહેલેથી મળેલ અમુક ગુપ્ત માહિતીને આધારે તેને તાબામાં લીધો હતો.

આ વ્યક્તિએ ડ્રગ્સની કેપ્સૂલ પેટમાં છુપાવી હોવાની શંકાને આધારે તેને પ્રથમ એનડીપીએસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેનું તબીબી પરિક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.
ત્યાર બાદ તેને જેજે હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યો. જ્યાં તેની તપાસમાં તેના પેટમાં ડ્રગ્સ ભરેલ કેપ્સૂલ હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યાર બાદ ડોક્ટરોએ આ તસ્કરના પેટમાંથી ૪૩ કેપસૂલમાં હેરોઇન હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ તસ્કરના પેટમાંથી કેપ્સૂલમાં છૂપાવેલ ૫૦૪ ગ્રામ હેરોઇનનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૃપિયા જેટલી થાય છે. આરોપી તસ્કરને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.

Share.
Exit mobile version