કેજરીવાલના બંગલાના રિનોવેશનના ખર્ચનું કેગ ઓડિટ કરશે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર વધુ એક મુસીબત આવી છે. કેજરીવાલના બંગલાના રિનોવેશન માટે કરાયેલા ખર્ચના કેગઓડિટ કરાશે. એલજીની ભલામણ બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેગ ઓડિટ કરાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. અગાઉ મુખ્યમંત્રી કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર થયેલા ખર્ચને લઈને એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતું. મીડિયા દ્વારા કરાયેલા આ સ્ટિંગ ઓપરેશનમાં જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ૮-૮ લાખ રૂપિયાનો એક પડદો લગાવવામાં આવ્યો છે.
દરમિયાન દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના પુનઃનિર્માણમાં થયેલી ગેરરીતિઓ અને ઉલ્લંઘનોનું કેગવિશેષ ઓડિટ કરશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દિલ્હીમાં ૬-ફ્લેગ સ્ટાફ રોડ, સિવિલ લાઈન્સ પર આવેલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશનમાં વહીવટી અને નાણાકીય ગેરરીતિઓનું વિશેષ ઓડિટ કરશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનમાં લગાવાયેલા કુલ પડદા પાછળ કુલ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કુલ ૨૩ પડદાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. દિલ્હી ભાજપે આ અંગે આમ આદમી પાર્ટીને ઘેરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર લગાવાયેલા માર્બલ વિયેતનામથી મંગાવવામાં આવ્યું હતું. આ ડિયોર પર્લ માર્બલની કિંમત એક કરોડ ૧૫ લાખ રૂપિયા બતાવાઈ હતી. કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની વાત કહેવામાં આવી હતી.