પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા બાદ રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે હવે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું નિવેદન સામે આવ્યું છે. સોમવારેઆ મુદ્દે બોલતા દિગ્વિજય સિંહે કહ્યું કે આવી ઘટનાઓને સહન ન કરી શકાય. તેમણે કહ્યું, હું મુખ્યમંત્રી મમતા બેનરજીનો પ્રશંસક રહ્યો છું પરંતુ વર્તમાન પરિસ્થિતિ આપણા લોકતંત્ર માટે સારી નથી.દિગ્વિજય સિંહનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર ૬૯૭ બૂથ પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં જે જિલ્લાઓમાં પુનઃ મતદાનની ઘોષણા કરવામાં આવી તેમાં સૌથી વધુ મુર્શિદાબાદમાં બૂથ છે. ત્યારબાદ માલદામાં ૧૧૨ બૂથ છે. હિંસાગ્રસ્ત નાદિયામાં ૮૯ બૂથ પર ફરીથી મતદાન યોજાશે. જ્યારે ૨૪ પરગણા જિલ્લાઓ અને અન્ય સ્થળોએ ૪૬ અને ૩૬ બૂથ પર ફરીથી મતદાન યોજાશે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું છે કે, પંચાયત ચૂંટણીને લઈને બંગાળમાં જે થઈ રહ્યું છે તે ડરામણું છે, હું મમતા બેનર્જીના ધૈર્ય અને સંકલ્પનો પ્રશંસક છું પરંતુ જે થઈ રહ્યું છે તે સહન કરી શકાય તેમ નથી. અમે જાણીએ છીએ કે તમે સીપીએમ શાસનમાં આવી જ પરિસ્થિતિનો બહાદુરીથી સામનો કર્યો હતો પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે આપણા લોકતંત્ર માટે સારું નથી. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શનિવારે મતદાન દરમિયાન થયેલી હિંસક અથડામણો માટે ટીએમસીની આકરી ટીકા કરી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં જે રીતે લોકો લોકશાહીની હત્યા જાેઈ રહ્યા છે. લોકોને પોતાના લોકતાંત્રિક અધિકારીનો દાવો કરવા માટે મારી નાખવામાં આવે છે. કોંગ્રેસ આ જ ટીએમસી સાથે હાથ મિલાવી રહી છે.