પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે, ઓગસ્ટ મહિનામાં અમારી સરકાર વચગાળાની વ્યવસ્થા તરીકે સત્તા પરથી હટી જશે.દેશની જનતાને કરેલા સંબોધનમાં શરીફે કહ્યુ હતુ કે, સત્તાના હસ્તાંતરણમાં કોઈ મુશ્કેલી નહીં આવે અને દેશમાં ચૂંટણી માટેનો રસ્તો ખુલશે. અમારી સરકારે પૂર્વ પીએમ ઈમરાન ખાને ઉભી કરેલી અડચણોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તેના કારણે પાકિસ્તાનની પ્રગતિના દ્વાર ખુલ્યા છે.તેમણે આગળ કહ્યુ હતુ કે, ૧૪ ઓગસ્ટે સંસદ પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને તેના કારણે વચગાળાની સરકાર બનાવવાનો અને આગામી ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થશે.

આઈએમએફ દ્વારા અપાનાર ૩ અબજ ડોલરની લોનનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ઈમરાન ખાન સરકારે આઈએમએફ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા પણ તેનુ ઉલ્લંઘન કરીને દેશને દેવાળિયા બનવાના આરે ધકેલી દીધો હતો. અમે જ્યારે આઈએમએફ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા ત્યારે પૂર્વ પીએમ દિવસ રાત દેશ વિરોધી ષડયંત્રો ઘડવામાં વ્યસ્ત હતા. તમામ અડચણો પછી પણ અમારી સરકારે આશા છોડી નહોતી અને આખરે આઈએમએફ સાથે સફળતાપૂર્વક કરાર કર્યા છે. આજે પાકિસ્તાનના ડિફોલ્ટ થવાનો ખતરો ટળી ચુકયો છે.

તેમણે દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવા બદલ ચીન, સાઉદી અરબ અને યુએઈનો આભાર માન્યો હતો અને કહ્યુ હતુ કે, સરકાર હવે આર્થિક ચિંતાના બોજ વગર આગામી ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે. દેશને લોન લેવાની આદત પડી ગઈ છે અને તેના કારણે દેશની પ્રતિષ્ઠા તેમજ સન્માનને નુકસાન પહોંચી રહ્યુ છે.
હવે સમય આવી ગયો છે કે, આપણે આર્ત્મનિભર બનીએ. શાહબાઝ શરીફે સત્તા છોડવાનુ એલાન કરતાની સાથે જ હવે વચગાળાના પીએમ કોણ બનશે તેની અટકળો પણ શરુ થઈ ગઈ છે. રાજકીય પક્ષો આ માટે સંમતિ સધાય તે માટે ચર્ચા કરી રહ્યા છે.

Share.

Leave A Reply

Exit mobile version