બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં ૨૯૦ થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓને કારણે ટ્રેન અકસ્માત થયો હતો. આ અંગે પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો છે.
રિપોર્ટમાં જણાવ્યું છે કે, બે નબળા રિપેરિંગ કામ કે જે વર્ષ ૨૦૧૮માં અને દુર્ઘટનાના થોડા કલાકો પહેલા થયું હતું તેના કારણે કોરોમંડલ એક્સપ્રેસ અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવી જ ઘટના ૧૬ મે ૨૦૨૨ના રોજ ખડગપુર રેલવે ડિવિઝન હેઠળના બંગાળના એક સ્ટેશન પર બની હતી. તે દરમિયાન ખોટા વાયરિંગને કારણે ટ્રેન અલગ રૂટ પર ગઈ હતી.
રિપોર્ટમાં જણાવાયું છે કે, જાે સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો ૨ જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત અગાઉ કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ખામીને કારણે થયો હતો. ખાસ વાત એ છે કે, રિપોર્ટમાં નોંધાયેલી માહિતી સીબીઆઈ તપાસમાં સામેલ કરવામાં આવશે. જાે કે, એક હકીકત એ પણ છે કે રેલ્વે મંત્રાલય આ અહેવાલને સ્વીકારી અથવા નકારી પણ શકે છે.