બીસીસીઆઈએ વધુ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડિયન ટીમના નવા હેડ કોચ તરીકે નામ શોર્ટ લિસ્ટ કરવાની સાથે ઈન્ટર્વ્યૂ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જાેકે આ પસંદગી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના નવા હેડ કોચ પદ માટે થઈ રહી છે. જાેકે આ દરમિયાન અમોલ મજુમદાર અને તુષાર અરોઠે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચના પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોમાં સામેલ છે, જેમનો ૩૦ જૂને ઇન્ટરવ્યુ લેવામાં આવશે. તુષાર અગાઉ પણ ભારતીય ટીમમાં કોચ તરીકે જાેડાઈ ચુક્યા છે, જ્યારે મજુમદાર કે જેઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ અને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપી ચૂક્યા છે, તેઓ બરોડાના કોચ બનવા માટે વાતચીત કરી રહ્યા છે.
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ઇંગ્લેન્ડના ડરહામના ભૂતપૂર્વ કોચ જાેન લુઇસે પણ આ નોકરી માટે અરજી કરી છે. અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાયકની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) મુંબઈમાં ઈન્ટરવ્યુ લેશે. બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ બોર્ડ)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શુક્રવારે ઇન્ટરવ્યુ લેવામાં આવશે.”
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ડિસેમ્બરથી મુખ્ય કોચ વિના છે. જ્યારે રમેશ પોવારને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા ત્યારથી ટીમ નવા હેડ કોચની તપાસ કરી રહી છે. આ વર્ષની શરૂઆતમાં ટી૨૦ વર્લ્ડ કપ દરમિયાન બેટિંગ કોચ હૃષિકેશ કાનિટકરે ટીમની કમાન સંભાળી હતી. એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ કહ્યું, ‘મને નથી લાગતું કે તુષારને પાછો લાવવો સારો વિકલ્પ હશે. ટીમને નવા વિચારો ધરાવતા કોચની જરૂર છે. અમોલ જેવા કોચ તેને આગળ લઈ જવા યોગ્ય રહેશે.
મુખ્ય કોચની પસંદગી કર્યા પછી, સીએસી ભારતીય પુરૂષ ટીમ માટે મુખ્ય પસંદગીકારની નિમણૂક કરે તેવી શક્યતા છે. કારણ કે ચેતન શર્માની હકાલપટ્ટી બાદ ફેબ્રુઆરીથી આ પદ ખાલી છે. આ માટે અરજી ભરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન છે અને ઇન્ટરવ્યુ ૧ જુલાઈએ યોજાય તેવી શક્યતા છે. અજીત અગરકર મુખ્ય પસંદગીકાર પદની રેસમાં સૌથી આગળ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.