વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે ૨૦૯ રનથી હાર મળી હતી, આ સાથે જ ટેસ્ટમાં ચેમ્પિયન બનવાનું કરોડો ભારતીયોનું સપનું રોળાયું હતું. વિરાટ કોહલી સારું રમશે તેવી સૌને આશા હતી પરંતુ તે ૪૯ રનમાં જ આઉટ થતાં ફેન્સને નિરાશા સાંપડી હતી. રવિવારે મેચ વખતે કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ તેને ચીયર કરવા માટે સ્ટેડિયમ પહોંચી હતી અને આ સાથે ટ્રોલનો ટાર્ગેટ બની હતી.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે તેને પનોતી ગણાવી હતી અને જ્યારે પણ તે સ્ટેડિયમમાં જાય છે, ત્યારે-ત્યારે ભારતની હાર થાય છે તેમ કહ્યું હતું. તો તેના ફેન્સ તરત જ તેના બચાવ પક્ષમાં આવ્યા હતા અને હાર માટે તે જવાબદાર ન હોવાનું કહ્યું હતું. એક યૂઝરે લખ્યું હતું આઈસીસી ટુર્નામેન્ટમાં અનુષ્કા શર્મા જ્યારે પણ સ્ટેડિયમમાં હાજર રહે છે ત્યારે ભારત જીતતું નથી, એક યૂઝરે લખ્યું હતું ‘અનુષ્કા શર્મા તે વાત સારી રીતે જાણે છે કે તેની હાજરી ટીમ ઈન્ડિયા માટે સારી નથી. તેમ છતાં તે સ્ટેડિયમમાં આવે છે તેથી રોહિતની કેપ્ટન્સીમાં ભારત એક પણ મેચ કે આઈસીસીની ટ્રોફી ન જીતે’. એક યૂઝરે લખ્યું હતું ‘અનુષ્કા શર્મા… પનોતી ઓફ ઈન્ડિયન ક્રિકેટ’, તો એકે લખ્યું હતું ‘અનુષ્કા શર્માએ સૌથી ખરાબ વ્યક્તિ છે, જે ભારતીય ક્રિકેટ સાથે આડકતરી રીતે જાેડાયેલી છે’, અન્ય એકે લખ્યું હતું ‘અનુષ્કા શર્માએ ઘરે રહેવું જાેઈએ અને રોહિતની પત્ની રિતિકા સાથે વડાપાઉ ખાવું જાેઈએ’. અનુષ્કાના ફેન્સ તરત જ તેના બચાવમાં આવ્યા હતા અને ભારતીય ક્રિકેટ ટીમ હારી તે માટે તેને જવાબદાર ગણનારને આડેહાથ લીધા હતા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની લવ સ્ટોરીની વાત કરીએ તો, તેમણે ઈટલીમાં ૨૦૧૭માં ડ્રિમી વેડિંગ કર્યા હતા. અત્યારે આ બંનેની ગણતરી પાવર કપલમાં થાય છે. જાે કે, લાંબા સમય સુધી બંનેએ તેમના ફેન્સ અને મીડિયાથી તેમની ડેટિંગની ખબરને છુપાવી રાખી હતી. પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કોહલીએ ૨૦૧૩માં ઝિમ્બાબ્વે ટુરમાં કેપ્ટન તરીકે નામ જાહેર થયું તે દિવસને યાદ કર્યો હતો. તેના મેનેજરે તેને કહ્યું હતું કે, તે અનુષ્કા શર્મા સાથે શૂટ કરવાનો છે. આ સાંભળીને તે નર્વસ થઈ ગયો હતો.

કોહલીએ ખુલાસો કર્યો હતો કે, પહેલી જ મુલાકાતમાં અનુષ્કાની હીલ્સ જાેઈને પૂછ્યું હતું ‘શું તને આનાથી વધારે ઊંચુ પહેરવા માટે કંઈ ન મળ્યું?’ અને તેણે કહ્યું હતું ‘એક્સક્યુઝ મી?’. તેના કહેવા પ્રમાણે, વાતચીતની શરૂઆત ખરાબ રહી હતી. જાે કે, બાદમાં તેને અહેસાસ થયો હતો કે અનુષ્કા સામાન્ય વ્યક્તિ છે અને આગળ વાત કરતાં બંનેનું બેકગ્રાઉન્ડ સરખું હોવાની જાણ થઈ હતી. તેણે ઉમેર્યું હતું કે, પહેલા તેઓ મિત્રો બન્યા હતા અને બાદમાં ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તેણે સ્પષ્ટતા કરી હતી કે, તેમણે તરત ડેટ કરવાનું નહોતું શરૂ કર્યું. બંને વચ્ચે લાંબા સમય સુધી વાત થઈ હતી. હાલ તેઓ દીકરી વામિકાના માતા-પિતા છે. જે અઢી વર્ષની છે. વિરાટ કોહલીની વાત કરીએ તો, તે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં વ્યસ્ત થઈ શકે છે, જેની શરૂઆત ૧૨ જુલાઈએ થશે. તો અનુષ્કા શર્માની વાત કરીએ તો તે આશરે પાંચ વર્ષ બાદ ફિલ્મોમાં કમબેક કરશે. તે ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’માં દેખાશે.

Share.
Exit mobile version