કેપ્ટન સુનીલ છેત્રી અને લલ્લિંજુઆલા છાંગતેના ગોલના દમ પર ભારતીય ફૂટબોલ ટીમે ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઈનલમાં રવિવારે લેબેનોનને ૨-૦થી હરાવ્યું. મેચના પહેલા હાફમાં કોઈ ગોલ ન થયા બાદ પોતાના કરિયરના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહેલા ૩૮ વર્ષના છેત્રીએ ૪૬મી મિનિટમાં ગોલ કરી ભારતને લીડ અપાવી. આ તેનો ૮૭મો આંતરાષ્ટ્રીય ગોલ છે અને એક્ટિવ ખેલાડીઓમાં સૌથી વધુ આંતરાષ્ટ્રીય ગોલ કર્યા મામલામાં તે ત્રીજા સ્થાને છે.

આ ગોલમાં મદદગારની ભૂમિકા નિભાવતા છાંગતેએ ૬૬મી મિનિટમાં ટીમની લીડને ડબલ કરવાની સાથે વર્લ્ડ રેન્કિંગમાં ૯૯મા સ્થાને રહેલી ટીમને ચોંકાવી દીધી. વર્લ્ડ રેન્કિંગમાં ૧૦૧મા સ્થાને રહેલા ભારતે બીજી વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે. ભારતીય ટીમ ૨૦૧૮માં તેના શરૂઆતના સત્રની ફાઈનલમાં કીનિયાને હરાવી ચેમ્પિયન બની હતી, જ્યારે કે ૨૦૧૯માં ઉત્તર કોરિયાએ ટ્રોફી જીતી હતી અને ભારત ચોથા એટલે કે છેલ્લા સ્થાને રહ્યું હતું.

બંને ટીમોની પાસે શરૂઆતના હાફમાં લીડ મેળવવાની તક હતી, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી. આ દરમિયાન ભારતે દડાને વધુ સમય સુધી પોતાની પાસે રાખવા પર ધ્યાન આપ્યું, જ્યારે લેબેનોનનો ભાર આક્રમણ પર રહ્યો હતો. લેબેનોનએ ભારતીય ગોલ પોસ્ટ તરફ ૭ વખત આક્રમણ કર્યું, જ્યારે દડાને ૫૮ ટકા સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખનારી ભારતીય ટીમ ત્રણ વખત જ લેબેનોનના ગોલ પોસ્ટ તરફ આક્રમણ કરી શકી.

હાફ ટાઈમ પછી સૌથી પહેલા છાંગતેએ બોક્સની પાસે દડાને પોતાના નિયંત્રણમાં લઈને છેત્રીને આપ્યો અને ભારતીય કેપ્ટને લેબેનોનના ગોલકીપર અલી સબેહને છેતરવામાં કોઈ ભૂલન કરી. એક ગોલની લીડ પછી ભારતીય ખેલાડીઓએ ઘરેલુ પરિસ્થિતિઓનો ફાયદો ઉઠાવતા છાંગતેના પ્રયાસથી આ લીડને બેગણી કરી દીધી. સબ્સીટ્યૂટ નાઓરેમ મહેશ સિંહએ છેત્રીના પાસ પર ગોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ લેબેનોનના ગોલકીપરે દડાને રોકી દીધો. જાેકે, ગોલકીપર દડાને નિયંત્રણમાં રાખી ન શક્યો અને તે છટકીને છાંગતે પાસે ગયો અને તેણે દડો ગોલ પોસ્ટમાં નાખી દીધો.

Share.
Exit mobile version