ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજાે અને મંગળવારનો દિવસ મંગળમય સાબિત થયો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો શેર ઓલ ટાઈમ હાઈ પહોંચ્યો હતો. સેન્સેક્સમાં આજે આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની સંપત્તિ ફરી ૩૦૦ લાખ કરોડને પાર પહોંચી છે.ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ ૨૭૩.૬૭ પોઈન્ટના વધારા સાથે ૬૫૬૧૭.૮૪ પોઇન્ટ અને નિફ્ટી ૮૩.૫ પોઇન્ટના વધારા સાથે ૧૯૪૩૯.૪૦ પોઈન્ટ પર બંધ રહ્યા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરમાં શાનદાર વધારો થયો. ઓટો, એફએમસીજી અને એનર્જી સેકટરના શેર્સમાં ખરીદીના કારણે બજારમાં તેજી જાેવા મળી. રિલાયન્સના શેરમાં સતત બીજા કારોબારી દિવસે ખરીદી નીકળતાં શેર ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો હતો.
આજે ૧૮૯૨ શેર વધ્યા, ૧૪૯૬ શેર ઘટ્યા અને ૧૧૭ શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. નિફ્ટીના ટોચના વધનારા શેસમાં સન ફાર્મા, આઈશર મોટર્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ અને મારુતિ સુઝુકી હતી. જ્યારે યુપીએલ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાયનાન્સ, એક્સિક બેંક, એચસીએલ ટેકનોલોજી ઘટનારા શેર હતા. મેટર અને પીએસયુ બેંક સહિત તમામ સેકટર લીલા નિશાનમાં બંધ થયા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપમાં ૧ ટકા જેટલો વધારો થયો.આજના કારોબારી દિવસના અંતે બજાર વધારા સાથે બંધ થવાથી રોકાણકારોની સંપત્તિ ૩૦૧.૩૪ લાખ કરોડ છે, જે ગઈકાલે ૨૯૯.૬૦ લાખ કરોડ રૂપિયા હતી. એટલેકે રોકાણકારોની સંપત્તિમાં ૧.૭૪ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે માર્કેટ કેપ ૨૯૯.૬૮ લાખ કરોડ હતી.
આજના કારોબારમાં ઓટો, આઈટી, એફએમસીજી, ફાર્મા, એનર્જી ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં શાનદાર ખરીદી જાેવા મળી છે. જ્યારે બેન્કિંગ સેક્ટરના શેરોમાં પ્રોફિટ બુકિંગ જાેવા મળી રહ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ શેરોમાં જબરદસ્ત ખરીદીનો દોર જાેવા મળ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૯ વધ્યા અને ૧૧ નુકસાન સાથે બંધ થયા, જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૩૫ શેરો ઉછાળા સાથે અને ૧૫ નુકસાન સાથે બંધ થયા.
આજના કારોબારમાં બીએસઈ સેન્સેક્સ ૨૫૪.૪૮ પોઈન્ટ એટલે કે ૦.૩૯ ટકાના વધારા સાથે ૬૫,૫૯૮.૬૫ ના સ્તર પર અને એનએસઈનો નિફ્ટી ૭૧.૨૦ પોઈન્ટ એટલે કે ૦.૩૭ ટકાના વધારા સાથે ૧૯,૪૨૭.૧૦ પર ખુલ્યો હતો.