ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ચાર મીલ, સાત મીલ અને ખોટિનાલા નજીક ચંદીગઢ-મનાલી હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ભારે જામના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો જાેવા મળી રહી છે. જામના કારણે ચંદીગઢ-મનાલી હાઈવે બંધ થઈ ગયો છે. કુલ્લુ-મનાલી તરફ જતો વૈકલ્પિક માર્ગ પણ બંધ છે. પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકો ટ્રાફિકજામમાં- અટવાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, મંડીમાં ભારે વરસાદને કારણે તારજી સર્જાઈ છે. મંડી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. હિમાચલના મંડી જિલ્લાના પરાશર બાગીમાં વાદળ ફાટવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. ૨૦૦ થી વધુ લોકો અને ઘણા વાહનો ફસાયા હોવાના અહેવાલ છે. બીજી તરફ મંડીના જ પંડોહ હનોગીમાં પૂરને કારણે નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
મંડી જિલ્લા પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે, મંડી જિલ્લાના બગીપુલ વિસ્તારમાં પરાશર તળાવ પાસે અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ૨૦૦થી વધુ લોકો ફસાયા હતા. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે મંડી જિલ્લામાં ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે પર ત્રણ જગ્યાએ ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો હતો. ખોટીનાળા પાસે હાઈવે પરના પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું. અહીં પાણીનું સ્તર થોડું ઓછું થયું, પરંતુ ત્યારબાદ પાસેની ટેકરી પરથી પથ્થરો પડ્યા અને હાઈવે બંધ થઈ ગયો. ચાર માઈલ અને સાત માઈલ નજીકના ટેકરી પરથી ભારે પથ્થરો પાડવાને કારણે હાઈવે સંપૂર્ણપણે બંધ છે. બીજી તરફ હમીરપુર જિલ્લાના સુજાનપુર વિધાનસભા ક્ષેત્રના ખૈરી વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે ગામના અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હતા.