મહારાષ્ટ્રમાં પક્ષવિસ્તરણ માટે જાેર લગાવનાર તેલાંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆરને તેમના જ રાજ્યમાં મોટો ઝાટકો લાગ્યો છે. તેલંગાણા બીઆરએસના લગભગ દોઢ ડઝન જેટલાં નેતાઓ આજે કોંગ્રેસમાં પ્રવેશ કરવાના છે. બીઆરએસના પૂર્વ સાંસદ પી.એસ.રેડ્ડી, પૂર્વ પ્રધાન કૃષ્ણા રાવ સાથે અનેક નેતાઓ આજે દિલ્હીમાં મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં પ્રવેશ કરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ખમ્મમના પી.એસ. રેડ્ડી, પૂર્વ પ્રધાન કૃષ્ણા રાવ, વિધાન સભ્ય દામોદર રેડ્ડી ઉપરાંત ત્રણ-ચાર પૂર્વ વિધાન સભ્યો સહિત લગભગ દોઢ ડઝન નેતાઓ દિલ્હીમાં કોંગ્રેસમાં પ્રવેશ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી સોમવારે દિલ્હીની પાર્ટી ઓફિસમાં આ નેતાઓનું સ્વાગત કરશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં વિજય મેળવ્યા બાદ કોંગ્રેસે તેલંગાણાની સત્તાધારી બીઆરએસ સરકારમાં ગાબડું પાડ્યું છે. બીઆરએસના બળવાખોર નેતા કોંગ્રેસમાં પ્રવેશ કરે તે પહેલાં ચર્ચા કરવા માટે સોમવારે નવી દિલ્હીમાં તેલંગાણા કોંગ્રેસના નેતાઓની પક્ષના કેન્દ્રિય નેતાઓ સાથે બેઠક થનાર છે. અવિભાજીત ખમ્મમ અને મહેબૂબનગર જિલ્લાના પ્રમુખ નેતાઓને આ બેઠકમાં આમંત્રીત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં બીઆરએસ અને ભાજપના અન્ય એક નેતા સામેલ થશે તેવી જાણકારી કોંગ્રેસના સૂત્રોમાંથી મળી રહી છે. આ બંને નેતાઓને પક્ષ વિરોધી કાર્યો માટે એપ્રિલમાં ભારત રાષ્ટ્ર સમિતી (બીઆરએસ) માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. બીઆરએસમાં સામેલ થવા કૃષ્ણા રાવે ૨૦૧૧માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેઓ મહેબૂબનગર જિલ્લાના કોલ્લાપૂર મતદારસંઘમાંથી ૨૦૧૪માં બીઆરએસમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટાયા હતાં. હવે તેઓ પાછા કોંગ્રેસમાં જવાના છે. આ સાથે બીજા કેટલાંક નેતાઓ પણ કોંગ્રેસમાં સામેલ થવાની હરોળમાં હોવાની જાણકારી પણ મળી રહી છે. જાે આવું થશે તો તેલંગાણામાં બીઆરએસને મોટું નૂકસાન થઇ શકે છે.