સોમવારે વિદેશ યાત્રાથી પાછા ફર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મણિપૂર મુદ્દે ચર્ચા કરી હતી. આ સમયે મણિપૂરમાં રાષ્ટ્રપતી શાસન લાગૂ કરવાથી માંડીને રાજ્યપાલ અનસૂયા ઉકેઇની બદલી અને આવતા મહિનામાં એટલે કે જૂલાઇમાં સરકાર અને સંગઠનમાં મોટા ફેરબદલ કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મણિપૂર બાબતે જલ્દી જ સરકાર એક્શન મોડમાં દેખાશે. આવતા મહિને કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મોટા બદલાવ જાેવા મળશે. કેટલાંક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને કારણે ફેરબદલ તો ઘણી જગ્યાએ નવી નિમણૂંકો થઇ શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમેરિકા અને ઇજિપ્તના પ્રવાસ બાદ ભારત પાછા ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટ પર જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ચર્ચા કરી હતી. પક્ષ દ્વારા શરુ કરવામાં આવેલ જનસંપર્ક અભિયાન અંગે જાણકારી મેળવી હતી. ગૃહ પ્રધાન અમિત શાહે મોદીને મળીને મણિપૂરની પરિસ્થિતિ તથા સર્વપક્ષીય બેઠકમાં તમામ નેતાઓની ભૂમિકા અંગે જાણકારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહ પ્રધાન સાથે અમરનાથ યાત્રાની તૈયારી અંગે પૂછપરછ કરી સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે કહ્યું હતું.
આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી. નરેન્દ્ર મોદી મંગળવારે મધ્ય પ્રદેશના શહડોલ અને ભોપાલમાં જઇને વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વગાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂલાઇના છેલ્લાં ૧૫ દિવસ સંસદનું ચોમાસું સત્ર શરુ થશે. તેથી જુલાઇના પહેલાં ૧૫ દિવસમાં સંગઠન અને સરકારમાં ફેરબદલનું કામ પૂરું કરવામાં આવશે એવી માહિતી સૂત્રોમાંથી મળી છે.
શું બદલાશે ?
– સૂત્રોના દાવા મુજબ પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને આવતા મહિનાની શરુઆતમાં સરકાર અને ભાજપના સંગઠનમાં મોટા ફેર બદલ થઇ શકે છે.
– પાંચ રાજ્યના ચૂંટણી પ્રભારી નક્કી કરવામાં આવશે, ઉપરાંત કેટલાંક નવા સેક્રેટરીના પદ આપવામાં આવશે.
– વિપક્ષ કરતાં એનડીએનો પરિવાર મોટો કરવા માટે કેટલાંક મિત્રપક્ષોને સરકારમાં સમાવવામાં આવશે.
– આ અંગે બિહારના લોક જનશક્તી પક્ષના ચિરાગ પાસવાન, મહારાષ્ટ્રના શિંદે જૂથના સાંસદ તથા અકાલી દલ સાથે સંભવિત યુતિને ધ્યાનમાં લઇને હરસિમરત કૌર બાદલના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.