હાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અંદાજને ૬ ટકાથી વધારીને ૬.૩ ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં ૦.૩ પોઈન્ટનો વધારો કર્યો છે. અગાઉ ફિચે ભારતનો વિકાસ દર છ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા વિકાસ દરને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં વધારો કર્યો છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો વિકાસ દર ૭.૨ ટકા હતો. જ્યારે ૨૦૨૧-૨૨માં દેશની અર્થવ્યવસ્થા ૯.૧ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. ફિચે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ખૂબ સારો રહ્યો હતો. બે ક્વાર્ટર સુધી સતત ઘટ્યા બાદ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રિકવરી જાેવા મળી છે, કન્સ્ટ્રક્શન સેક્ટરમાં સુધારો જાેવા મળ્યો છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વધારો થયો છે, જેના કારણે સ્થાનિક અર્થતંત્રમાં તેજી જાેવા મળી રહી છે. આ વાતોને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ ગ્રોથ રેટના અંદાજમાં વધારો કર્યો છે. ફિચે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન સેક્ટર તથા કૃષિ ઉત્પાદનમાં વધારાને કારણે અર્થતંત્રમાં તેજી આવી જેને કારણે ફિચે ભારતીય વિકાસ દરનું અનુમાન વધાર્યું છે જે ઈન્ડીયન ઈકોનોમી માટે સારી વાત છે.