અમેરિકા સાથે ભારતે તાજેતરમાં જ અત્યાધુનિક ડ્રોનો માટે કરેલી ડીલ બાદ હવે ચીને પૂર્વ લદ્દાખમાં ભારતીય સીમાને અડીને પોતાના જાસૂસી ડ્રોન તૈનાત કર્યા છે. આમ ચીને ભારત સામે વધુ એક ઉશ્કેરણીજનક હરકત કરી છે.
ચીને પોતાના ડ્રોન એવી જગ્યાએ તૈનાત કર્યા છે જ્યાંથી તે ભારતની સરહદમાં ઘૂસ્યા વગર ભારતીય સીમાની હિલચાલ પર નજર રાખી શકે છે.
ચીને જે ડ્રોન તૈનાત કર્યા હોવાનુ મનાય છે તેમાં એક ડબલ્યુઝેડ-૭ પ્રકારનુ ડ્રોન છે.આ ડ્રોન સતત ૧૦ કલાક ઉડી શકે છે અને આ દરમિયાન તે પોતાનો ડેટા જમીન પર ટ્રાન્સફર કરી શકે છે. ચીનની સેનાની ત્રણે પાંખ તેનો ઉપયોગ કરે છે અને તેની રેન્જ ૭૦૦૦ કિલોમીટર છે.

આ સિવાય ચીને પોતાના બીજા એટેક ડ્રોન વિંગ લૂંગ-૨ને પણ સીમા પર તૈનાત કર્યુ છે. આ ડ્રોન ૨૦ કલાક સુધી સતત મહત્તમ ૩૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે ૧૧ મીટર લાંબુ અને ૨૦ મીટર પહોળુ છે. આ ડ્રોન અત્યંત સસ્તુ પણ છે અને લાઈવ ફાયર કરવા માટે સક્ષમ છે. કોઈ પણ જાતની હાલતી ચાલતી વસ્તુ કે કોઈ પણ જાતના સ્થિર ટાર્ગેટને તે ટાર્ગેટ કરી શકે છે. તેના પર બોમ્બ અને લેસર ગાઈડેડ મિસાઈલ તૈનાત કરી શકાય છે. ચીને આ ડ્રોનને અંધારામાં પણ જાેઈ શકે તેવી ટેકનોલોજીથી સજ્જ કર્યુ છે. વિંગ લૂંગ ૧૫૦૦ કિલોમીટરના રેડિયસમાં કામ કરી શકે છે. ચીન આ ડ્રોનથી ભારતની જ નહીં પણ જાપાનની પણ જાસૂસી કરતુ રહ્યુ છે. જાેકે ભારતીય સેના પણ ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે તૈયાર છે અને ભારત પણ ડ્રોનના ક્ષેત્રમાં પોતાની તાકાત વધારી રહ્યુ છે. ડીઆરડીઓ દ્વારા હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ ડ્રોન બનાવવા માટે કામ ચાલી રહ્યુ છે.

Share.

Leave A Reply

Exit mobile version