શહેરમાં વડાપાંઉની લારી ચલાવતા યુવક અને તેની પત્નીના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા છે. કૌટુંબિક ઝઘડાના કારણે આ પરિણામ આવ્યું હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. અઢી વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટનામાં આશિષ રાણે નામના યુવકે પહેલા તેની પત્ની આરતી રાણેની હત્યા કર્યા બાદ આપઘાત કર્યાની વિગતો મળી રહી છે. બાળકની હાજરીમાં જ પિતાએ તેની માતાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કર્યાની શંકા સેવવામાં આવી રહી છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં બનેલી ઘટનામાં યુવક આશિષ રાણેએ આપઘાત કરતા પહેલા તેની પત્ની આરતીની હત્યા કરી હોવાની શંકાઓ સેવાઈ રહી છે. શિવાલય હાઈટ્સમાંથી પતિ-પત્નીના મૃતદેહ વચ્ચે રમતું અઢી વર્ષનું બાળક પણ હતું. આશિષ વડાપાંઉની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ શિવાલય હાઈટ્સમાં પહોંચી તો ત્યાં પતિ-પત્નીના મૃતદેહ વચ્ચે બાળક રમી રહ્યું હતું. પતિ-પત્નીના મોતના સમાચાર મળતા ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને તપાસ શરુ કરી દીધી હતી.
મળતી વિગતો પ્રમાણે જ્યારે પણ મૃતક આશિષ વડાપાંઉની લારી પર જાય ત્યારે ઘરે તાળું મારીને પત્ની આરતીને અંદર પૂરીને જતો હતો. પોલીસ સૂત્રોનું માનવું છે કે પહેલા આશિષે તેની પત્નીની હત્યા કરી અને તે પછી પોતે આપઘાત કરી લીધો હતો. છેલ્લા ઘણાં સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આશિષ રાણે વડાપાંઉની લારી ચલાવવાની સાથે અન્ય જગ્યા પર નોકરી પણ કરતો હતો. બનાવની જાણ થતાં ફ્લેટ પાસે મોટી સંખ્યામાં લોકોના ટોળા થઈ ગયા હતા, આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. હવે પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવાની સાથે મૃતદેહના પોસ્ટમોર્ટમના આધારે વધુ ઊંડી તપાસ કરવામાં આવશે.