બિપરજાેય વાવાઝોડાથી ગુજરાતને થયેલા નુકશાનનો પ્રાથમિક અંદાજ સામે આવ્યો છે. સૌથી મોટું નુકશાન વીજ કંપનીઓને અને ખેડૂતોને થયું હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું છે. વૃક્ષો ધરાશાયી થતાં પર્યાવરણ અને વન વિભાગને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. અસરગ્રસ્ત નાગરિકોને રૂ. ૧,૨૩,૮૨,૨૪૦ કેશડોલ્સ ચૂકવણી કરવામાં આવી છે. હજુ પણ ચૂકવણી કામગીરી પ્રગતિમાં હોવાનું રાજ્યના પ્રવકતા મંત્રીએ જણાવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, બિપરજાેય વાવાઝોડાના કારણે ગુજરાતમાં મીનીમમ લોસ થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે આગોતરું આયોજન કર્યું હતું. આ આયોજન અને સૌના સાથ સહકારથી આજે ગુજરાત આટલા ભયાવહ ચક્રવાત સામે બાથ ભીડી શક્યું છે. વાવાઝોડા દરમિયાન ભારે પવન અને વરસાદના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના કુલ ૬૪૮૬ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વાવાઝોડું પસાર થઇ ગયા બાદ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી અત્યાર સુધીમાં ૫૭૫૩ ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે બાકીના ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.પ્રભાવિત જિલ્લાઓમાં ૪૦૦ કેવી, ૨૨૦ કેવી અને ૧૩૨ કેવીની ક્ષમતાના ૧૨ સબસ્ટેશનો વીજ પુરવઠો વાવઝોડા દરમિયાન ખોરવાયો હતો. જે તમામ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો છે. આ ઉપરાંત ૬૬ કેવીના ૨૪૩ સબસ્ટેશનનો વીજ પુરવઠો પણ આ વાવાઝોડા દરમિયાન બંધ થયો હતો. જેમાંથી ૨૩૬ સબસ્ટેશનમાં વીજ પુરવઠો પુસ્થાપિત થઇ ગયો છે. બાકી રહેતા ૭ સબસ્ટેશનમાં વીજ પુરવઠો ફરી શરુ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. વાવાઝોડાથી ગેટકો અને ડીસ્ટ્રીબ્યુશન કંપનીઓના વીજ માળખાને અંદાજીત રૂ. ૭૮૩ કરોડનું નુકશાન થયું છે. પ્રભાવિત જિલ્લાઓમાં અસરગ્રસ્ત નાગરિકોને ૩ દિવસમાં કેશડોલ્સની ચૂકવણી કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. જેના પરિણામે પ્રભાવિત જિલ્લાઓમાં અત્યારસુધીમાં કુલ રૂ. ૧ કરોડ ૨૩ લાખ ૮૨ હજાર જેટલી કેશડોલ્સ ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ કેશડોલ્સ ચૂકવવાની કામગીરી ચાલી રહી છે. વાવાઝોડાની વિપરીત અસરોથી સંભવિત જિલ્લાઓમાં પશુ મૃત્યાંકને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઘણા પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. બાકી રહેતા પશુઓને બાંધી ન રાખવા અને છુટ્ટા મૂકવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. છતાં પણ વીજળી પડવાથી, ઝાડ નીચે દબાવાથી, વધારે સમય પાણીમાં ફસાયેલા રહેવાથી અને ઠંડીના કારણે રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ ૧૩૨૦ પશુઓ અને ૧૯૦૭ મરઘાના મૃત્યું થયા છે. પાત્રતા મુજબ કુલ મરણ પૈકી ૧૧૨૯ પશુઓને રાજ્ય સરકાર તરફથી સહાય મળવાપાત્ર છે. જેની અંદાજીત રકમ રૂ. ૧.૬૨ કરોડ છે. સહાય ચૂકવવાની શરૂઆત કરવામાં આવી છે જે ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.