ગુજરાતમાં અવિરત વરસાદ બાદ અમુક વિસ્તારોને બાદ કરતા રવિવારે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જાે કે, આજથી હવામાન વિભાગે આગામી ૫ દિવસ ફરીથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું સક્રિય બની ગયું છે. દક્ષિણ-પશ્ચિમનો પવન જમીની સ્તરના નીચલા લેવલે ફૂંકાઈ રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું જાેર નરમ પડ્યું હતું. જાે કે, અમુક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ૪ જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
૫ જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવેથી મધ્યમ વરસાદ. ૬ જુલાઈએ દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં હળવેથી મધ્યમ વરસાદ. ૭ જુલાઈએ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા ૩૦-૪૦ કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. જણાવી દઈએ કે, શુક્રવાર અને શનિવારે પડેલા વરસાદ બાદ રવિવારે મેઘરાજાએ અમદાવાદમાં વિરામ રાખ્યો હતો.
આખો દિવસ સૂર્ય ભગવાને દર્શન પણ આપ્યા અને ગરમીનો પારો પણ થોડો ઉચકાયો હતો. જાે કે, સોમવારે સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. જાે કે, વચ્ચે વચ્ચે તડકો પણ નીકળી રહ્યો છે. સવારે નરોડાથી રિવરફ્રન્ટ સુધીના વિસ્તારમાં ઝરમરીયો વરસાદ પણ નોંધાયો હતો. આ દરમિયાન આજે અમદાવાદમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી હોવાથી આજે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે. મળતી માહિતી અનુસાર રવિવારે મેંદરડામાં ૫, તાલાલામાં ૩, વંથલીમાં ૨, કેશોદ, માળિયા અને સુત્રાપાડામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ૪ ઈંચ જેટલો, સુરતના બારડોલીમાં ૧.૩૬ ઈંચ, વરસાદ પડ્યો હતો. જ્યારે ઉત્તર ગુજરાતમાં ઝાપટા પડ્યા હતા.