પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ બિહારમાં મોટી દુર્ઘટના સર્જાવાના મોટા અહેવાલ સામે આવ્યા છે. બિહારના કટિહાર જિલ્લામાં કાઢાગોલા ઘાસ પાસે સ્નાન દરમિયાન ૬ બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ તમામ પૂજા માટે ગંગા ઘાટ પર પાણી લેવા આવ્યા હતા. આ દુઃખદ ઘટના જિલ્લાના બરારી બ્લોકના કાઢાગોલા ગંગા ઘાટ પાસે બની છે. ગંગામાં ડુબેલા ૬ બાળકોમાંથી ૨ બાળકોનો જીવ બચાવી લેવાયો છે, જ્યારે ૪ બાળકોના મોત નિપજ્યા છે. મળતા અહેવાલો મુજબ આ તમામ બાળકો કોઢાગોલા બ્લોકના ખેરિયા ગામમાંથી ગંગા સ્નાન કરવા માટે કાઢાગોલા ઘાટ પર આવ્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ તુરંત તમામ કિશોરોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જેમાંથી ડોક્ટરોએ ૪ બાળકો મૃત જાહેર કર્યા છે.
મૃતકોમાં તરુણ દાસનો પુત્ર શિવમ કુમાર (૧૫ વર્ષ), રતન દાસનો પુત્ર મોહન કુમાર (૧૮ વર્ષ), સંજય દાસનો પુત્ર હર્ષ કુમાર (૧૪ વર્ષ) અને પપ્પુ કુમાર (૧૬ વર્ષ)નો સમાવેશ થાય છે. આ તમામ કોઢા બ્લોકના એક જ ગામમાં રહેતા હતા. ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી. ત્યારબાદ બરારીના સીઓ લલન કુમાર મંડલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે આ ઘટના અંગે પૂછપરછ કરી છે. હાલ મૃતદેહો પોલીસને સોંપવામાં આવ્યા છે.આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટના શ્રાવણના પ્રથમ સોમવારે બની છે.
આ તમામ લોકો અહીં પૂજા માટે પાણી ભરવા આવ્યા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે, ગંગા નદીમાં પાણી ભરવા દરમિયાન તમામ બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.