ભારતની સંસદમાં અને રાજ્યોની વિધાનસભામાં ઘમાસાણના દ્રશ્યોની નવાઈ નથી પણ બીજા દેશોમાં પણ રાજકારણીઓ પોતાની મર્યાદા ચુકી જતા હોવાના કિસ્સા બનતા હોય છે.યુરોપીયન દેશ કોસોવોની સંસદમાં ગુરુવારે એક વિપક્ષી સાંસદે દેશના પીએમ અલ્બિન કુર્તી પર પાણી ફેંકતા હોબાળો મચી ગયો હતો. પીએમ કુર્તી આ સમયે દેશની ઉત્તરમાં સર્બ સમુદાય સાથે તણાવ ઓછો કરવા માટે સરકાર દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે તેની જાણકારી આપી રહ્યા હતા.વિપક્ષોએ સર્બ સમુદાય માટે સરકારની નીતિઓની ટીકા કરી છે અને તેના કારણે કોસોવોના બીજા દેશો સાથેના સબંધો પર અસર પડી શકે છે.

અમેરિકા તેમજ યુરોપિયન યુનિયન દ્વારા પીએમ કુર્તી પર સ્થિતિને કાબૂલમાં લેવા માટે દબાણ છે. કોસોવોમાં મે મહિનામાં પોલીસ સમર્થિત અલ્બેનિયાઈ મેયરોની ચૂંટણી બાદ હિંસા ભડકી હતી. આ ચૂંટણીનો સર્બ સમુદાયે બહિષ્કાર પણ કર્યો હતો. પોલીસ અને સ્થાનિક સર્બ લોકો વચ્ચે થયેલી અથડામણમાં સેંકડો લોકો ઘાયલ પણ થયા હતા.પીએમ કુર્તીએ કહ્યુ હતુ કે, ઉત્તરી કોસોવોમાં સર્બ સમુદાયની બહુમતીવાળા ચાર નગર પાલિકા બિલ્ડિંગની બહાર તૈનાત પોલીસ અધિકારીઓની સંખ્યા ઓછી કરાશે અને અહીંયા મેયરની ચૂંટણી નવેસરથી કરાશે. જાેકે તેમની આ કાર્યવાહીથી વિપક્ષ નારાજ છે . વિપક્ષી નેતાઓએ કહ્યુ છે કે, પીએમ કુર્તીના પ્રયોગોથી કોસોવોની આંતરરાષ્ટ્રીય સ્થિતિ ખતરામાં પડી ગઈ છે.

જેના પર સંસદમાં ચાલતી ચર્ચા દરમિયાન વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ મર્ગિમ લુશ્તાકુએ પીએમ પર પાણી ફેંક્યુ હતુ અને એ પછી ભારે હોબાળો થઈ ગયો હતો. સુરક્ષા વચ્ચે કુર્તીને સંસદની બહાર લાવવામાં આવ્યા હતા. વડાપ્રધાને કહ્યુ હતુ કે, ઉત્તરી કોસોવોમાં કાયદો અને વ્યવસ્થાનુ શાસન લાગુ કરવા માટે પ્રયત્ન થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોસોવો એક સમયે સર્બિયાનો હિસ્સો હતુ. ૨૦૦૮માં તેણે પોતાની આઝાદીની જાહેરાત કરી હતી. જાેકે મોટાભાગના સર્બ લોકો કોસોવોને આઝાદ દેશ માનવાનો ઈનકાર કરી રહ્યા છે. આ બાબતે અમેરિકા તેમજ યુરોપિયન સંઘના દેશો તથા રશિયા અને ચીન સામસામી છાવણીમાં વહેંચાયેલા છે.

Share.

Leave A Reply

Exit mobile version