સિંગાપુરમાં ભારતીય મૂળના એક વ્યક્તિને ૧૦ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તેમજ ૪૦૦૦ ડોલરનો દંડ પણ કરવામાં આવ્યો છે. જેને દોષી કરાર અપાયો છે તેનુ નામ નિખિલ દુર્ગડે છે.
તેના પર આરોપ છે કે, ૨૦૨૦માં પોલીસની રેડ દરમિયાન તેણે પોલીસ અધિકારી સાથે મારપીટ કરી હતી અને પોલીસ અધિકારીને મુક્કા અને લાતો મારી હતી.તેના પરના આઠ આરોપો સાબિત થયા છે. જેમાં સરકારી કર્મચારીના કામમાં દખલ કરવાનો, તેને ઈજા પહોંચાડવાનો, ગાંજાે સાથે રાખવાનો અને મેથામફેટામાઈનનુ સેવન કરવાના આરોપનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના પર કુલ તો ૧૫ આરોપ લાગ્યા હતા.
કોર્ટે ચુકાદામાં કહ્યુ હતુ કે, નિખિલે પોલીસ અધિકારી સામે અપમાનજનક શબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો.
આખી ઘટના એવી હતી કે, ૨૦૨૦માં ૩ પોલીસ અધિકારીઓ છેતરપિંડીના મામલાની તપાસ માટે નિખિલ અને તેના સાગરિતોની પૂછપરછ કરવા માટે ગયા હતા ત્યારે તેમણે પોલીસ અધિકારીઓ પર હુમલો કરી દીધો હતો. બાદમાં નિખિલ સહિત ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ તેને ધરપકડ કરીને લઈ ગઈ ત્યારે તપાસમાં ખબર પડી હતી કે, તેણે મેથામફેટામાઈનનુ સેવન કરેલુ હતુ.