શનિવારે અમદાવાદમાં ભારત પાકિસ્તાનની મેચ શાંતિથી પૂરી થઇ ગઇ. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ODI વર્લ્ડ કપની ગ્રુપ મેચ દરમિયાન તેને પ્રતિ મિનિટ ૨૫૦ થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. મેચની શરૂઆતથી, સ્વિગી પર પ્રતિ મિનિટ ૨૫૦ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું હતું કે, ‘ચંદીગઢના એક પરિવારે એક સાથે ૭૦ બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો.
એવું લાગે છે કે તેઓ પહેલેથી જ ઉજવણીનાં મૂડમાં હતા. આ સિવાય ભારતીયોએ મેચ દરમિયાન ૧ લાખથી વધુ કોલ્ડ ડ્રિંક્સનો ઓર્ડર પણ આપ્યો હતો. સ્વિગીએ ટિ્વટર પર પોસ્ટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, ‘આજે અનુક્રમે ૧૦,૯૧૬ અને ૮,૫૦૪ બ્લુ લેઝ (ચિપ્સ) અને ગ્રીન લેઝના પેકેટનો ઓર્ડર આપ્યો છે. બેશક બ્લુ કલર અહીં પણ જીતી રહ્યો છે. કંપનીએ આગળ કહ્યું હતું કે, ‘૩,૫૦૯ કોન્ડોમનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, કેટલાક ખેલાડીઓ આજે મેદાનની બહાર રમી રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ૧,૦૦,૦૦૦ થી વધુ ચાહકોની સામે ઘણા સમયથી રાહ જાેવાતી આ મેચમાં ભારતે પાકિસ્તાનને માત્ર ૧૯૧ રનમાં ઓલ આઉટ કરી દીધું અને પછી સાત વિકેટે સરળતાથી જીત મેળવી. બોલરોના જાેરદાર પ્રદર્શન અને કેપ્ટન રોહિત શર્માની ૮૬ રનની વિસ્ફોટક ઇનિંગના કારણે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું.
ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પાકિસ્તાન સામે ભારતે આજ સુધી નહીં હારવાનો અજેય સિલસિલો આપ્યો અને જાળવી રાખ્યો અને સતત આઠમી જીત નોંધાવી હતી. પાકિસ્તાનને આ વર્લ્ડકપમાં ત્રણ મેચમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે ૪૨.૫ ઓવરમાં ૧૯૧ રનમાં આઉટ કર્યા બાદ ભારતે ૩૦.૩ ઓવરમાં ત્રણ વિકેટે ૧૯૨ રન બનાવીને જીતની હેટ્રિક પૂરી કરી હતી. આસાન લક્ષ્યનો પીછો કરતા રોહિતે ફરી એક તોફાની ઇનિંગ રમી અને ૬૩ બોલમાં ૮૬ રનમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા. શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ૧૬-૧૬ રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર ૫૩ અને કેએલ રાહુલ ૧૯ રન બનાવીને અણનમ રહ્યા હતા. શ્રેયસે ભારત માટે વિનિંગ ફોર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.